Pakistani,તા.16
લાંબા સમયથી આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહેલા પાકિસ્તાનને આઈએમએફથી માંડી વર્લ્ડ બેન્ક પાસેથી મોટાપાયે ફંડ મળી રહ્યું હોવા છતાં મોંઘવારી પર કાબૂ મેળવાયો નથી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર મોંઘવારીનો બોમ્બ ફોડતાં પ્રજા ત્રાહિમામ બની છે. ત્યાં પેટ્રોલ અને હાઈ સ્પીડ ડિઝલના ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો બુધવારથી લાગુ થયો છે.
પાકિસ્તાનના નાણા વિભાગે મંગળવારે મોડી રાત્રે નોટિફિકેશન જાહેર કરી પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો લાગુ કતર્યો છે. જેમાં પેટ્રોલના ભાવમાં લીટરદીઠ રૂ. 5.36 (PKR)નો વધારો કર્યો છે. જ્યારે હાઈ સ્પીડ ડીઝલના ભાવમાં રૂ. 11.37 પ્રતિ લીટર વધારો લાગુ કર્યો છે. આ વધારા બાદ દેશમાં પેટ્રોલનો ભાવ રૂ. 266.79થી વધી 272.15 પ્રતિ લીટર થયો છે. જ્યારે હાઈ-સ્પીડ ડીઝલનો ભાવ રૂ. 272.98થી વધી 284.35 પ્રતિ લીટર થયો છે.
પાકિસ્તાનની સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સંશોધન કર્યા બાદ નવા સુધારાઓ 16 જુલાઈથી આગામી 15 દિવસ સુધી તાત્કાલિક ધોરણે લાગુ કર્યા છે. ઈંધણની કિંમતોમાં વૃદ્ધિથી પાકિસ્તાનમાં વાહનચાલકો પર બોજો અનેકગણો વધ્યો છે. ઈંધણના ભાવોમાં વધારા પાછળનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવોમાં અસ્થિરતા ગણાવ્યું છે.
પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સતત વૃદ્ધિ જોવા મળી છે. અગાઉ જુલાઈના પ્રથમ સપ્તાહમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો લાગુ કરવામાં આવ્યો હતો. તે સમયે ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડના ભાવમાં વધારો નોંધાતા પાકિસ્તાન સરકારે તુરંત ઈંધણના ભાવોમાં વધારો કર્યો હતો. પાકિસ્તાન પણ ભારતની જેમ ક્રૂડનો મોટો આયાતકાર દેશ છે. તે પોતાની કુલ જરૂરિયાતના આશરે 85 ટકા ક્રૂડ આયાત કરે છે.