Rajasthan,તા.26
સીઆઈડી ઈન્ટેલિજન્સે એક મોટી કાર્યવાહીમાં જેસલમેરથી એક પાકિસ્તાની જાસૂસ હનીફખાનને પકડી પાડયો છે, ભારતીય સેના સાથે સંકળાયેલી ગોપનીય માહિતી હનીફ પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈને મોકલી રહ્યો હતો.
મહાનિરીક્ષક પોલીસ સીઆઈડી (સુરક્ષા) ડો. વિષ્ણુકાંતે જણાવ્યું હતું કે, સીઆઈડી ઈન્ટેલીજન્સની ટીમ રાજયમાં જાસૂસી ગતિવિધિ પર સતત નજર રાખી રહી છે. આ દરમિયાન તેમને જેસલમેરના મોહનગઢમાં હનીફખાન (ઉ.47)ની ગતિવિધિ પર શંકા ગઈ અને તપાસમાં બહાર આવ્યું કે તે સોશિયલ મીડિયાથી સતત પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈના સંપર્કમાં હતો.
ઓપરેશન સિંદૂર દરમિયાન પણ તે પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતો અને સેનાની અવર-જવરની જાણકારી શેર કરી રહ્યો હતો. કેન્દ્રીય પૂછપરછ કેન્દ્ર અને જયપુરની વિભિન્ન એજન્સીઓની પુછપરછ અને મોબાઈલ ટેકનીકની તપાસમાં એ પણ સાબીત થયું કે તે પૈસાના બદલામાં સેનાની રણનીતિક જાણકારી આપતો હતો. ઉલ્લેખનીય છે કે જેસલમેરમાં આવો ચોથો મામલો છે.

