Kabul તા.18
પાકિસ્તાને સીઝફાયર વચ્ચે અફઘાનિસ્તાન પર ફરી વખત એર સ્ટ્રાઈક કરતા બન્ને દેશો વચ્ચેના સંબંધો સ્ફોટક બની ગયા છે. પાકિસ્તાની હુમલામાં અફઘાનિસ્તાનના ત્રણ ક્રિકેટરો સહિત 10 લોકોના મોત નિપજતા ખળભળાટ સર્જાયો છે. અફઘાનિસ્તાને તાત્કાલીક અસરથી પાક. સાથેની ત્રિકોણીય ટી-20 સીરીઝમાંથી ખસી જવાનું જાહેર કર્યું છે.
પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા દિવસોમાં સર્જાયેલા સંઘર્ષ બાદ બન્ને દેશોએ સીઝફાયર જાહેર કર્યું હતું પરંતુ પાકિસ્તાને પોત પ્રકાશીને તેનું ઉલ્લંઘન કર્યુંં હોય તેમ ગઈરાત્રે અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી હતી અને તેમાં ત્રણ ક્રિકેટર સહિત 10 લોકોના મોત થયા હતા. અફઘાનિસ્તાનના પતિકા ક્ષેત્રમાં આ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો.
રહેણાંક વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ તકે ફ્રેન્ડશીપ મેચ રમીને પરત ફરી રહેલા ક્રિકેટરો પણ ઝપટે ચડી ગયા હતા અને તેમાથી ત્રણના મોત થયા હતા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું કે ફ્રેન્ડશીપ મેચ રમવા માટે ક્રિકેટ ટીમ પતિકા ક્ષેત્રની રાજધાની સારાના ગઈ હતી.
ત્યાંથી પરત ફરતી વખતે પાકિસ્તાનનો હુમલો થયો હતો અને તેમાં ત્રણ ખેલાડીઓના મોત થયા હતા. ખેલાડીઓની ઓળખ કબીર, હારૂન તથા સીબગતુલ્લાહ તરીકે થઈ છે. ત્રણ ક્રિકેટર ઉપરાંત અન્ય સાત લોકો પણ મોતને ભેટયા હતા. આ સિવાય અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા.
પાકિસ્તાનના આ હવાઈ હુમલાને પગલે બન્ને દેશો વચ્ચે ફરી પરિસ્થિતિ સ્ફોટક બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. છેલ્લા દિવસોમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનના પતિકા ક્ષેત્રમાં જ અનેક હવાઈ હુમલા કર્યા હતા. તે પછી મિત્ર દેશોના દબાણ હેઠળ 48 કલાકનું સીઝફાયર નકકી થયું હતું પરંતુ પાકિસ્તાને તેનું ઉલ્લંઘન કરીને નવેસરથી એર સ્ટ્રાઈક કરી હતી.
ત્રણ ક્રિકેટરોના મોતથી અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કપ્તાન નબી રાશીદ સહિતના સીનીયર ખેલાડીઓ ભડકયા હતા અને પાકિસ્તાની હુમલાની આકરી ટીકા કરી હતી. આ હુમલાને કાયરતા પૂર્ણ ગણાવ્યો હતો.
અફઘાનિસ્તાન ત્રિકોણીય ટી-20 સીરીઝમાંથી ખસી ગયું
પાકિસ્તાનની એર સ્ટ્રાઈકમાં અફઘાનિસ્તાનના ત્રણ ક્રિકેટરોના મોત નિપજતા સમગ્ર અફઘાની ક્રિકેટ જગત હચમચી ગયું છે અને પાકિસ્તાન સામે આકરો રોષ ઠાલવ્યો છે. આ હુમલાના પ્રત્યાઘાત હેઠળ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આવતા મહિને રમાનારી ત્રિકોણીય ટી-20 સીરીઝમાંથી ખસી જવાની જાહેરાત કરી છે.
5થી 29 નવેમ્બર દરમ્યાન પાકિસ્તાન, શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રિકોણીય ટી-20 શ્રેણી રાવલપીંડી અને લાહોરમાં યોજાવાની હતી પરંતુ પાકિસ્તાનની એર સ્ટ્રાઈકના પગલે આ શ્રેણીમાં સામેલ નહીં થવાનું ક્રિક્રેટ બોર્ડે જાહેર કર્યું છે.