હવે ચોથા ચરણની મંત્રણા યોજાવાની નથી : આતંકવાદ મુદ્દે અફઘાનિસ્તાન-પાક. વચ્ચે કોઈ સમજૂતી સધાઈ નહીં
New Delhi, તા.૯
પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચેની શાંતિ મંત્રણા ફરી નિષ્ફળ રહી છે. બંને દેશો વચ્ચે ત્રીજા દોરની મંત્રણા તુર્કીએ અને કતારની મધ્યસ્થીને લીધે ઇસ્તંબુલમાં ચાલી રહી હતી.
પાકિસ્તાનનું કહેવું હતું કે, તે આતંકવાદના મુદ્દે કોઈ બાંધછોડ નહીં કરે, તેણે અફઘાનિસ્તાન માટે તેહરિક-એ-તાલિબાન પર લગામ મુકવા, લેખિત પ્રતિબદ્ધતાની માંગણી કરી, જેનો અફઘાનિસ્તાને સ્પષ્ટ ઇન્કાર કર્યો. જો કે, તેણે મૌખિક ખાતરી આપી કે, તે તેની ભૂમિનો ઉપયોગ આતંકવાદ માટે નહીં કરવા દે. બીજી તરફ પાકિસ્તાને લેખિત ગેરન્ટી માટે આગ્રહ રાખ્યો હતો. તે સામે અફઘાનિસ્તાને કહ્યું કે, તમને અમારા શબ્દોમાં વિશ્વાસ નથી. અફઘાન કદી બોલ્યા પછી ફરતો નથી છતાં પાકિસ્તાને લેખિત ગેરન્ટી માંગતા મંત્રણા પડી ભાંગી હતી.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે પત્રકારોને જણાવ્યું હતું કે, બંને દેશોની મંત્રણા પડી ભાંગી છે. હવે ચોથો દોર યોજાવાનો છે. ગુરૂવારે બંને દેશો વચ્ચે મંત્રણા શરૂ થઈ હતી. પાકિસ્તાનની માંગણી હતી કે, અફઘાનિસ્તાન લેખિતમાં જણાવે છે કે, તે તહેરિક-એ-તાલિબાન-એ પાકિસ્તાન (ટી.ટી.પી.) સામે પગલા લેશે. જેની અફઘાન પ્રતિનિધિઓએ સ્પષ્ટ ના કહી પરિણામે મંત્રણા પડી ભાંગી મધ્યસ્થી કરનારા દેશો તુર્કી અને કતાર પણ નિરાશ થયા છે. પરંતુ આ મંત્રણા યોજવા માટે આસીફે તુર્કી અને કતારનો આભાર પણ માન્યો હતો. તેમણે કહ્યું કે, બંને દેશોએ પોતાની તરફથી પ્રયત્નો કરવામાં કોઈ કમી રાખી ન હતી. જો તેઓ આશાવાદી હોત તો અમને રોકાવાનું પણ કહ્યું હોત, કાબુલના સ્ટેન્ડથી તેઓ પણ નિરાશ થયા છે. જો કે, પાકિસ્તાનનું સ્ટેન્ડ તો યથાવત્ છે તે આતંકીઓને આશ્રય નહીં આપવા માટે અફઘાનિસ્તાનને અનુરોધ કરી જ રહ્યું છે.
ગયા મહિને ઇસ્લામાબાદ અને કાબુલ વચ્ચેની તંગદિલી કમ કરવા માટે ઇસ્તંબુલમાં મંત્રણા શરૂ થઈ હતી તેમાં મહત્ત્વનો મુદ્દો ડુરાંડ લાઇનનો હતો અફઘાનિસ્તાન તે સ્વીકારવા તૈયાર નથી. બ્રિટીશ શાસન નીચેના અખંડ હિંદુસ્તાન બંને દેશો વચ્ચે ડુરાંડ નામના ઇજનેરે તે રેખા દોરી હતી, જે અત્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છે. તાલિબાનો તે સ્વીકારવા તૈયાર નથી. પાકિસ્તાન તે માટે આગ્રહી છે. બંને દેશો વચ્ચે મતભેદનો આ મહત્ત્વનો મુદ્દો છે. આતંકવાદનો મુદ્દો સેકન્ડરી છે તેમ તાલિબાનો માને છે તેથી મંત્રણા આગળ વધતી ન હતી.
પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે ૧૧થી ૧૫ ઓક્ટોબર તેમ બે વખત સંઘર્ષ થયો હતો બંનેના કેટલાયે માણસો માર્યા ગયા હતા. જો કે, પછીથી અસ્થાયી યુદ્ધવિરામ થયો છે જે હજી ચાલુ છે.

