Ahmedabad,તા.૯
ભાણવડ તાલુકાના પાછતરડી ગામમાં ખેડૂતોની જમીન પર કંપનીઓનો ગેરકાયદેસર કબ્જો કરવાનો આરોપ લગાવ્યો છે. ૧૯૭૧માં ભુદાન અંતર્ગત મળેલી જમીન પર હાલમાં ડીસીસી કંપની લેન્ડ ગ્રેબિંગનો કેસ કરીને ખેડૂતોને હેરાન કરી રહી છે. ૧૯૭૧ માં ખેડૂતોને ભુદાનમાં જમીન મળી હતી, ત્યારથી આજ દિવસ સુધી ખેડૂતોના નામે ૭/૧૨ સાથે ખેડૂતો પાસે જ કબ્જો છે.
આ જમીનમાં ખનીજ હોવાથી કંપનીની નજર આ જમીન પર છે અને ખેડૂતોને ત્યાંથી નીકાળવનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકાર પણ પોલીસબળનો ઉપયોગ કરીને કંપનીને મદદ કરી રહી હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. કંપનીએ બનાવેલા લીજ મેપમાં ગામની સરકારી પ્રાથમિક શાળા પણ પોતાના કબજામાં દર્શાવી છે.
આ બાબતે ગ્રામજનો છેલ્લા ૯ દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. પરંતુ નિંભર પ્રશાસન ખેડૂતોની સમસ્યા સાંભળવા તૈયાર નથી. આજે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ ઉપવાસી છાવણીની મુલાકાત લઈને ખેડૂતોને સમર્થન જાહેર કર્યું છે. પાલ આંબલિયાએ ખેડૂતો સાથે જોડાઈને સમગ્ર બાબતની ચર્ચા કરીને ખેડૂતોને સાથ આપવાનું કહ્યું છે.