Panchmahal , તા.30
રાજ્યમાં સતત મેઘમહેર જોવા મળી રહી છે, ત્યારે આજે શનિવારે વહેલી સવારે પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ ભુક્કા બોલાવી દીધા હતા. જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો.
હાલોલ પંથકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી હતી. જ્યાં બે કલાકમાં સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. રહેણાક વિસ્તારો, રસ્તાઓ, દુકાનો જળબંબાકાર જોવા મળી રહ્યા છે.
આજે શનિવારે સવારે 6થી 8 વાગ્યા સુધી, બે કલાકમાં રાજ્યના 40 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જ્યાં સૌથી વધુ વરસાદ પંચમહાલના હાલોલમાં 6.69 ઈંચ પડ્યો છે. જેના પગલે હાલોલમાં ઠેર-ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
ગુજરાતના હવામાનની આગાહીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 17 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. અપર અર સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી છે.
આજના દિવસે ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવનાઓ છે, જેમાં કેટલાક સ્થળો પર ભારેથી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. યલો એલર્ટ સાથે કરાયેલી આગાહીમાં ગુજરાત રિજન અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.