Vadodara,તા.૧૦
વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલીના ગામોમાં આજે સવારે ૧૦ – ૩૦ કલાક પછી એક પછી એક ત્રણ વખત ભૂકંપની હળવા આંચકા અનુભવાયા છે. જેને પગલે સ્થાનિકોમાં ભારે દહેશતનો માહોલ વ્યાપી ગયો છે. ઘટના અંગે જાણ થતા જ તુરંત સ્થાનિક મામલતદાર ભૂકંપના આંચકા અનુભવાયા હોય તે ગામોની મુલાકાતે દોડી આવ્યા છે. તેમને જણાવ્યા અનુસાર, ૧.૮ થી લઇને ૨ રિક્ટર સ્કેલ સુધીનો ભૂકંપ નોંધાયો છે. આ ભૂકંપની ઘટનામાં કોઇ જાન-માલનું નુકશાન પહોંચ્યું છે. ભૂકંપ અનુભવાતા તકેદારીના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓને પરિસરની બહાર કાઢી લેવામાં આવ્યા છે.
આજે વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલીના ગામોમાં સવારે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. આ વાત સામે આવતા સ્થાનિકોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે. ઘટના અંગે જાણ થતા જ સ્થાનિક મામલતદાર ભૂકંપના નજીવા આંચકા અનુભવાયા તેની મુલાકાતે દોડી આવ્યા છે. આ અંગે ગાંધીનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરી ખાતે તપાસ કરવામાં આવતા, તેની પુષ્ટિ થઇ છે. આ ઘટનામાં હજી સુધી કોઇ જાન-માલનું નુકશાન સામે આવ્યું નથી. તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા સબ સલામત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મામલતદારે તમામ ગામોની જાતે મુલાકાત લીધી છે, અને સાથે જ પરિસ્થિતીને બારીકાઇપૂર્વક જાણવાનો પ્રયાસ કર્યો છે.
સાવલીના મામલતદાર જીગ્નેશ પટેલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, સાવલી તાલુકાના પ્રથમપુરા, શિહોરા, ડુંગરીપુરા, તારિયાપુરા ગામમાં ભૂકંપના નજીવા આંચકા અનુભવાયા છે, તેવી પ્રાથમિક માહિતી મળતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અન્વયે તમામ ગામોની મુલાકાત અમે લઇ રહ્યા છીએ. આ અંગે ગાંધીનગર તપાસ કરતા, ૧.૮ થી ૨ રિક્ટર સ્કેલનો ભૂકંપ નોંધવામાં આવ્યો છે. આમાં કોઇ નુકશાન કે, જાનહાની થઇ નથી.