Mumbai,તા.15
ટીવી જગતથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બી. આર. ચોપડાની મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનાર એક્ટર પંકજ ધીરનું નિધન થયું છે. તેમના નજીકના મિત્ર અમિત બહલે તેમના મૃત્યુની પુષ્ટી કરી હતી.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પંકજ ધીર કેન્સરથી પીડિતા હતા. જોકે, તેમાંથી તેમણે એકવાર સાજા થઈ ગયા હતા. પરંતુ, છેલ્લાં કેટલાક મહિનામાં તેમને ફરી કેન્સર થયું હતું. અભિનેતાની હાલત ખૂબ જ નાજુક હતી. આ રોગને કારણે તેમની મોટી સર્જરી પણ થઈ હતી, તેમ છતાં તેમને બચાવી ન શકાયા. સોશિયલ મીડિયા પર પંકજના મૃત્યુના સમાચારથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. તેમના ચાહકો પણ દુઃખી છે. ફેન્સ અને સેલિબ્રિટીઓ અશ્રુભીની આંખો સાથે પંકજને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.CINTAA (Cine & TV Artistes Association) એ પણ પંકજના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, અભિનેતાનું અવસાન 15 ઓક્ટોબરે થયું હતું. તેમના અંતિમ સંસ્કાર સાંજે 4:30 વાગ્યે વિલે પાર્લે, મુંબઈમાં થશે. પંકજ CINTAA ના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી હતા.એક્ટરે ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકથી એક પ્રોજેક્ટ્સ પર કામ કર્યું હતું. જોકે, તેમને 1988માં રિલીઝ થયેલી બી. આર ચોપડાની મહાભારતથી ફેમ મળી હતી. આ શોમાં એક્ટરે કર્ણનું પાત્ર ભજવ્યું હતું. તેમના કામના આજે પણ વખાણ કરવામાં આવે છે. નોંધનીય છે કે, એક્ટરે ટીવી શો સિવાય અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તે અનેક માઇથોલોજિકલ શોનો ભાગ રહ્યા હતા. જેમાં ચંદ્રકાંતા, ધ ગ્રેટ મરાઠા જેવા શો સામેલ છે. આ સિવાય તેમણે હિન્દી ફિલ્મ સોલ્જર, બાદશાહ અને સડકમાં પણ શાનદાર કામ કર્યું હતું.
પંકજ ધીરના અંગત જીવનની વાત કરીએ તો, તેમના પરિવારમાં પત્ની અનિતા ધીર અને પુત્ર નિકિતન ધીર છે. ફેન્સ નિકિતનને ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસમાં થંગાબલીની ભૂમિકાથી જાણે છે. પિતાની જેમ નિકિતન પણ માઇથોલોજિકલ શોમાં જોવા મળે છે. તેણે શ્રીમદ રામાયણમાં રાવણનું પાત્ર ભજવ્યું હતું.