પરેશ રાવલે સલમાન અને આમિરની ફિલ્મ ‘અંદાઝ અપના અપના’માં પણ એક મહત્વનો રોલ કર્યો હતો
Mumbai, તા.૧૫
પરેશ રાવલ એવા ઘણા ઓછા કલાકારોમાંના એક છે, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દાયકાઓથી સતત કામ કરતા રહ્યા છે. એવા કોઈ દિગ્ગજ કલાકારો નથી, જેણે પરેશ રાવલ સાથે કામ ન કર્યું હોય. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં પરેશ રાવલને સલમાન ખાન અને આમિર ખાન સાથે કામ કરવાના અનુભવ અને તેમાં શું ફરક છે, એ અંગે પુછાયું હતું. આ પ્રશ્નના જવાબમાં પરેશ રાવલે બંને હિરોની કામ કરવાની અલગ શૈલી અંગે વાત કરી હતી અને બંનેના વખાણ કર્યા હતા. પરેશ રાવલે ઉલ્લેખ કર્યો કે સલમાન ખાન બહુ સરળતાથી કામ કરે છે અને પાત્રમાં ઘુસવામાં પણ એને બહુ સમય લાગતો નથી. તેમણે જણાવ્યું, “સલમાન ખાન કોઈ પણ સીનનો હાર્દ સમજી જાય છે. એ બહુ આકર્ષક વ્યક્તિ છે. પદડા પર તે જાદુની જેમ કામ કરે છે. એ સેટ પર આવે છે, તો એણે બહુ મહેનત કરવી પડતી નથી. એ જાણે હવામાં ભળી જાય છે અને કામ થઈ જાય છે.”જ્યારે આમિરની કામ કરવાની રીત વિશે પરેશ રાવલે જણાવ્યું કે તે પોતાના પાત્ર માટે બહુ મહેનત કરે છે અને તેના ઊંડાણ સુધી પહોંચવા નોંધપાત્ર સમય પણ લે છે, જ્યારે સલમાન સહેલાઈથી કરી લે છે. પરેશ રાવલે જણાવ્યું, “આમિરને મહેનત કરવી પડે છે અને દરેક બાબતને ઊંડાણથી અને વિગતે જાણવી પડે છે. એટલે આમિર સાહેબ થોડો સમય લે છે. જ્યારે સલમાન “હવા કા ઝોંકા” છે, એ ક્યારે આવે, ઉડીને જતો રહે, ખબર પણ નહીં પડે.”પરેશ રાવલે આ બંને કલાકારો સાથે ઘણી ફિલ્મમાં કામ કર્યું છે. તેણે સલમાન અને આમિરની ફિલ્મ ‘અંદાઝ અપના અપના’માં પણ એક મહત્વનો રોલ કર્યો હતો. સલમાન અને આમિરની આજ સુધીની એકસાથે કરેલી એ એકમાત્ર ફિલ્મ છે. જો પરેશ રાવલની આવનારી ફિલ્મની વાત કરવામાં આવે તો તેઓ હવે ‘નિકિતા રોય’માં જોવા મળશે, જેમાં સોનાક્ષી સિંહા લીજ રોલમાં છે. તેઓ ‘હેરા ફેરી ૩’માં પણ હવે જોવા મળશે, તેનું કામ ૨૦૨૬માં શરૂ થવાનું છે. આ સિવાય પરેશ રાવલે અક્ષય કુમાર અને પ્રિયદર્શન સાથે ‘ભૂતબંગલા’માં પણ કામ કર્યું છે.