Mumbai,તા.04
પરેશ રાવલે ઘણા પ્રખ્યાત પાત્રો ભજવ્યા છે અને અનેક સુપરહિટ ફિલ્મોનો તેઓ હિસ્સો રહ્યા છે. પરંતુ હેરાફેરીમાં બાબુરાવ ગણપત રાવ આપ્ટેના રોલથી તેમને એક અલગ ઓળખ મળી છે. તેમ છતાં તેઓ આ રોલથી કંટાળી ગયા છે. અભિનેતાનું માનવું છે કે, ‘એક રોલ આજે પણ મને જેટલો આશીર્વાદ આપે છે એટલો જ બોજ પણ લાગે છે. હેરાફેરીના પ્રેમાળ પરંતુ અવ્યવસ્થિત મકાન માલિક બાબુરાવ ગણપત રાવ આપ્ટેનું પાત્ર પણ મને એવું જ અનુભવ કરાવે છે.’
પરેશ રાવલે જણાવ્યું કે, ‘બાબુરાવની શાનદાર સફળતાએ દર્શકોની નજરમાં મારી અભિનયની વિવિધતાને મર્યાદિત કરી દીધી છે અને કેમ એ જ જાદુને વારંવાર પુનરાવર્તન કરવાનો પ્રયાસ મને સર્જનાત્મક રીતે થકાવી દે છે.’
તાજેતરમાં જ એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન પરેશ રાવલે કહ્યું કે, હું એક જ વસ્તુ કરીને કંટાળી ગયો છું. મને એવું ફીલ થાય છે કે હું ફસાઈ ગયો છું. લોકોને ખુશ કરવા માટે તમે વારંવાર એક જ વસ્તુ કરતા રહો છો. જ્યારે રાજુ હિરાનીએ મુન્નાભાઈ એમ.બી.બી.એસ. બનાવી, ત્યારે એ જ પાત્રોને એક નવા માહોલમાં બતાવવામાં આવ્યા અને લોકોએ તેને આનંદ પણ માણ્યો. પરંતુ જ્યારે તમારી પાસે આટલા મોટા પાત્રો છે, જેની લોકોમાં 500 કરોડની ગુડવિલ છે ત્યારે થોડું જોખમ લઈને આગળ કેમ ન વધવું જોઈએ? એક જ જગ્યાએ કેમ અટકી પડ્યા છો?
તેમણે આગળ કહ્યું કે, હું બાબુરાવના પાત્રને ખૂબ પ્રેમ કરું છું, પરંતુ દુઃખની વાત છે કે, આ પાત્ર મારી અન્ય ઘણી શાનદાર ભૂમિકાઓ પર ભારી પડી જાય છે. બાબુરાવનો રોલ મારા બીજા સારા રોલ પર હાવી થઈ જાય છે. મને તો કહેવામાં આવ્યું છે કે બાબુરાવ આર.કે. લક્ષ્મણ કરતાં પણ વધુ પ્રખ્યાત છે. મને ખરાબ ત્યારે લાગે છે જ્યારે બુદ્ધિશાળી લોકો પણ વારંવાર આ જ વસ્તુનું પુનરાવર્તન કરે છે. હું તેનાથી કંટાળી ગયો છું. બાબુરાવમાં ઘણી ક્ષમતા છે – દર્શકો તેમની દરેક વાત પર વિશ્વાસ કરે છે.’

