Surendaranagar, તા.7
લીંબડીના સૌકા ગામે નવાપરામાં રહી ભાગવું ખેતર ખેડીને પરિવારનું ગુજરાન ચલાવતા બાબુભાઈ મથુરભાઈ મેરની 19 વર્ષની પુત્રી ગોપીના લગ્ન રાણપુરના નાગનેશ ગામે રહેતા ભીમા ઝાપડિયાના પુત્ર રાહુલ સાથે તા.3 માર્ચ-2025ના રોજ થયા હતા.
લગ્નના એકાદ માસ પતિ-પત્ની વચ્ચે બધું સમુસુતં ચાલ્યું હતું. ત્યારબાદ રાહુલે ગોપીને કરિયાવર બાબતે મેણાં ટોણા મારવાનું શરૂ કરી દીધું હતું. ગોપીને તેના પિતા પાસેથી 2 લાખ લઈ આવવા રાહુલે દબાણ કર્યું હતું.
કરિયાવર બાબતે મેણાં ટોણાથી કંટાળીને લગ્નના 2 માસ પછી ગોપી પિયર સૌકા ગામે પાછી આવી ગઈ હતી. જ્યાં ગોપી સુનમુન રહેવા લાગી હતી. તા.1 નવેમ્બરે ગોપીએ ઝેરી દવા ગટગટાવી લેતા સી.યુ.શાહ હોસ્પિટલે દાખલ કરી હતી.
બીજા દિવસે ગોપીની તબિયત સુધારી એટલે એને જનરલ વોર્ડમાં રિફર કરી હતી. પરંતુ તા.3 નવેમ્બરની મોડીરાત્રે અચાનક ગોપીની તબિયત ફરીથી લથડી હતી. હાજર ડોક્ટરે ગોપીને મૃત જાહેર કરી હતી. કરિયાવર માંગી પત્નીને મરવા મજબૂર કરનાર રાહુલ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ અંગે ગોપીના પિતા બાબુભાઈ મેરે જણાવ્યું હતું કે ગોપીએ મને કહ્યું કે રાહુલે દહેજ પેટે 2 લાખ માંગ્યા છે. મેં તેને કહ્યું કે કપાસની ઉપજ આવે એટલે જેટલા થશે એટલા રૂપિયા આપી દેશું. પુત્રીનું ઘર ભાંગે નહીં એટલે જમાઈને મનાવવા મારા પત્ની નાગનેશ ગયા પરંતુ રાહુલે જ્યાં સુધી 2 લાખ નહીં આપો ત્યાં સુધી તમારી પુત્રીને તમારા ઘરે રાખો એમ કહી એમને કાઢી મૂકયા હતા.

