New Delhi, તા.21
સંસદીય સ્થાયી સમિતિએ ખાનગી શિક્ષણ સંસ્થાનોમાં એસસી, એસટી અને ઓબીસી કોટા લાગુ કરવા માટે કાયદો બનાવવાની માંગ કરી છે. સમીતીએ દર વર્ષે પ્રવેશના આંકડા એકત્ર કરવાની પણ ભલામણ કરી છે.
સમિતિએ જણાવ્યું હતું કે, ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં એસસી, એસટી અને ઓબીસી કવોટા માટે કાયદો બનાવવાની જરૂર છે. અહીં 15 ટકા એસસી, 7.5 ટકા એસટી અને 27 ટકા ઓબીસી સીટો અનામત રાખવી પડશે.
આ ટાર્ગેટ માટે અનામત ફરજિયાત કરવા માટે સંસદમાં વિધેયક લાવવું પડશે પરંતુ એથી સામાન્ય સીટોમાં કપાત ન થવી જોઈએ. કોંગ્રેસ સાંસદ દિગ્વીજયસિંહની અધ્યક્ષતાવાળી શિક્ષણ, મહિલા, બાલ, યુવા અને રમત સંબંધી સંસદીય સ્થાયી સમિતિએ બુધવારે રજૂ કરેલ પોતાના રિપોર્ટમાં આ ભલામણો કરી છે.
સમિતિએ રિપોર્ટમાં સુપ્રીમકોર્ટના આદેશનો હવાલો આપીને જણાવ્યું હતું કે, ખાનગી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે ઐતિહાસિક રીતે હાંસિયામાં રહેલ અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) અને અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના વિદ્યાર્થીઓને અનામત આપવી બંધારણીય રીતે સ્વીકાર્ય છે.
અનામત લાગુ કરવામાં ખાનગી સંસ્થાનોને સહયોગ આપવા માટે આર્થિક રીતે નબળો વર્ગ (ઈડબલ્યુએસ) માટે 25 ટકા અનામતનું પાલન કરવામાં આવી શકે છે. હાલ ખાનગી સંસ્થાન અનામત લાગુ કરવા માટે કાયદેસર બાધ્ય નથી, કારણ કે કાયદો નથી.
રિપોર્ટમાં બિંટ્સ, ઓપી જિંદલ, ગ્લોબલ યુનિવર્સિટી અને શિવ નાદર યુનિવર્સિટીના આંકડાનો હવાલો આપીને સમીતીએ ખાનગી સંસ્થાનોમાં અનામત વર્ગના છાત્રોના નિરાશાજનક પ્રતિનિધિત્વ પર ચિંતા વ્યક્ત કરી હતી.
ફી ખૂબ જ વધુ, કાયદો બનાવવાની જરૂરિયાત: સમિતિએ એ પણ જણાવ્યું છે કે ખાનગી યુનિવર્સિટીઓમાં ફી વધુ હોય છે એટલે તેને લઈને રાજય સરકારો કાયદો બનાવે.

