Jamaica,તા.૧૨
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે અને ૩ મેચની ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ ૨ મેચ જીતીને ૨-૦થી અજેય લીડ મેળવી છે. હવે ત્રીજી ટેસ્ટ મેચ ૧૨ જુલાઈથી જમૈકાના સબીના પાર્ક ખાતે રમાશે. આ શ્રેણી પછી, બંને ટીમો વચ્ચે ૨૦ જુલાઈથી ૨૮ જુલાઈ સુધી ૫ મેચની ટી ૨૦ શ્રેણી રમાશે, જેમાં પેટ કમિન્સ જોવા મળશે નહીં. આ શ્રેણીમાં પેટ કમિન્સને આરામ આપવામાં આવ્યો છે.
કમિન્સ ઉપરાંત, મિશેલ સ્ટાર્ક અને ટ્રેવિસ હેડ પણ વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની ટી ૨૦ શ્રેણીમાં રમશે નહીં અને સ્વદેશ પરત ફરશે. ટેસ્ટ શ્રેણી પછી સ્વદેશ પરત ફરનારા ખેલાડીઓમાં જોશ હેઝલવુડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હેઝલવુડને પહેલા ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તેમના સ્થાને ઝેવિયર બાર્ટલેટે ટીમમાં પ્રવેશ કર્યો છે.
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પછી, ઓસ્ટ્રેલિયન ટીમ દક્ષિણ આફ્રિકાની યજમાની કરશે. બંને ટીમો વચ્ચે ૩-૩ મેચની ટી ૨૦ અને વનડે શ્રેણી રમાશે. પેટ કમિન્સ આ શ્રેણીમાં પણ ભાગ લેશે નહીં. કમિન્સને આરામ આપવામાં આવ્યો છે. એટલે કે, આગામી મહિના સુધી ઓસ્ટ્રેલિયન ટીમ મેદાન પર જોવા મળશે નહીં. આ મોટો નિર્ણય એશિઝની તૈયારીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. કમિન્સ ઘરઆંગણે ઉનાળા પહેલા ફિટનેસ પર કામ કરશે.
કમિન્સે સબીના પાર્ક ખાતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે તેને આગામી કેટલાક મહિનાઓ સુધી, લગભગ ૬ અઠવાડિયા સુધી સારી તાલીમ લેવાની તક મળશે. કદાચ બોલિંગ નહીં કરે, પરંતુ જીમમાં ઘણી કસરત કરવી પડશે. તેનું શરીર ખૂબ સારું લાગે છે, પરંતુ કેટલીક નાની બાબતો છે જેને તમે હંમેશા ઠીક કરવાનો પ્રયાસ કરો છો અને પછી તેને ઉનાળા માટે તૈયાર કરો છો. કમિન્સ ઓસ્ટ્રેલિયાના વનડે કેપ્ટન છે, પરંતુ ૨૦૨૩ના વર્લ્ડ કપ ફાઇનલ પછી, તેણે આ ફોર્મેટમાં ફક્ત બે વાર કેપ્ટનશીપ કરી છે. આ વર્ષની શરૂઆતમાં ભારત સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન પગની ઘૂંટીમાં ઈજાને કારણે તે ચેમ્પિયન્સ ટ્રોફી ચૂકી ગયો હતો.
ઓસ્ટ્રેલિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસનું સમયપત્રક
ટી ૨૦ શ્રેણી
૧૦ ઓગસ્ટઃ ૧લી મારારારા સ્ટેડિયમ, ડાર્વિન
૧૨ ઓગસ્ટઃ ૨, મારારારા સ્ટેડિયમ, ડાર્વિન
૧૬ ઓગસ્ટઃ ૩, કાઝાલિસ સ્ટેડિયમ, કેર્ન્સ
વનડે શ્રેણી
૧૯ ઓગસ્ટઃ ૧લી વનડે, કાઝાલિસ સ્ટેડિયમ, કેર્ન્સ
૨૨ ઓગસ્ટઃ ૨જી ગ્રેટ બેરિયર રીફ એરેના, મેકે
૨૪ ઓગસ્ટઃ ૩જી ગ્રેટ બેરિયર રીફ એરેના, મેકે