173 શેરમાં ખોટી માંગ ઊભી કરવા બદલ પેઢી પર સેબીનો પ્રતિબંધ
ગેરકાયદે મેળવેલા રૂ.3.22 કરોડ જમા કરાવવા આદેશ
Rajkot,તા.30
શેરબજારમાં ખોટી માંગ ઉભી કરી સ્પૂફિંગ કૌભાંડ આચરવા બદલ રાજકોટની પટેલ વેલ્થ પેઢી પર સેબીએ પ્રતિબંધ મૂકી ગેરકાયદે રળેલા રૂ. 3.22 કરોડ જમા કરાવવા આદેશ કરવામાં આવ્યો છે.
સ્ટોક બ્રોકરને તેના સાગરિતો સાથે મળીને શેરોમાં સ્પૂફિંગ એટલે કે એક પ્રકારનો સટ્ટો કરવા બદલ અને ગેરકાયદેસર રીતે કમાણી કરેલા રૂ. 3.22 કરોડ જમા કરાવવાનો સેબીએ આદેશ કર્યો છે. સેબીએ પટેલ વેલ્થ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ (પીડબ્લ્યુએપીએલ) નામના આ બ્રોકર પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેના ડિરેક્ટર્સને પણ સિક્યુરિટીઝ માર્કેટમાં કોઈ કામગીરી કરવા પર સેબીએ પ્રતિબંધ મૂકી દીધો છે.
આ બ્રોકરે 173 સ્ટોક્સમાં આર્ટિફિશિયલ માંગ ઊભી કરી હતી. જે માલૂમ થતા સેબી પણ ચોંકી ગઈ હતી. સેબીએ કહ્યું હતું કે પટેલ વેલ્થ એડવાઈઝર્સને વધુ સમય કામગીરી કરવા દેવાય તો તેનાથી સિક્યુરિટીઝ માર્કેટની પ્રામાણિકતાને લૂણો લાગશે અને રોકાણકારોના હિતને નુકસાન થશે. સેબીએ સોમવારે કરેલા આદેશમાં આ બ્રોકરે કઈ રીતે કૌભાંડ આચર્યું તેનું વિગતવાર વર્ણન કર્યું છે. આટલા મોટાપાયા પર ભારતમાં સૌપ્રથમવાર છેતરપિંડી માલૂમ પડી છે.
પીડબ્લ્યુએપીએલનું આ કૌભાંડ કેશ અને ડેરિવેટિવ્ઝ બન્ને સેગમેન્ટમાં કરાયું હતું અને ત્રણ વર્ષથી પણ વધુ સમય ચાલ્યું હતું. કુલ 173 સ્ક્રિપમાં સ્પૂફિંગ એક્ટિવિટી કરવામાં આવી હતી. મતલબ કે મોટાપાયે ખરીદી અને પછી વેચાણ કરવામાં આવ્યા હતા. કેટલીક સ્ક્રિપમાં એક જ દિવસમાંઅનેક વાર સટ્ટો કરવામાં આવ્યો હતો અને કુલ મળીને 621 વાર સ્પૂફિંગ કરાયું હતું.