Morbi, તા.૯
મોરબીમાં ડિસ્કો ડાંડીયા ક્લાસીસમાં દૂષણ બંધ કરવા માટે પાટીદાર સમાજે એલાન કર્યું હતું અને તેના ભાગરૂપે આજે રક્ષાબંધનના દિવસથી મોરબીની પાટીદાર બહેનો માટે કન્યા છાત્રાલય ખાતે ગરબા ક્લાસીસ પાટીદાર સમાજ દ્વારા શરૂ કરવામાં આવશે અને પાટીદાર સમાજ દ્વારા ચાર મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમાં સહકાર આપવાની ગરબા ક્લાસીસના સંચાલકોએ પણ ખાતરી આપી છે. જો ગરબા કલાસિસના સંચાલકો સહકાર નહીં આપે તો કાયદો હાથમાં લેતા પણ પાટીદારો સમાજ અચકાશે નહીં તેવું પાટીદાર અગ્રણીઓએ જણાવ્યું છે
છેલ્લા વર્ષોમાં ડિસ્કો દાંડિયા ક્લાસીસના કારણે છેડતી સહિતના પ્રશ્નો સામે આવ્યા હતા જેને ધ્યાનમાં રાખીને પાટીદાર સમાજ દ્વારા ચાર દિવસ પહેલા રવાપર ચોકડી પાસે પાટીદાર જન ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ડિસ્કો ડાંડીયા ક્લાસીસ મોરબીમાં ચલાવવા દેવામાં નહીં આવે તેવું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાટીદાર અગ્રણીઓ અને ગરબા ક્લાસીસના સંચાલકો સાથે બેઠક યોજાઇ હતી અને મોરબીમાં ડિસ્કો ડાંડીયા ક્લાસીસ બાબતે મહત્વના ચાર નિર્ણયો પાટીદાર સમાજના આગેવાનો, સીરામીક ઉદ્યોગકારો અને પાટીદાર સમાજના બહેનો દ્વારા લેવામાં આવ્યા છે.
કયા કયા નિર્ણયો લેવાયા
પાટીદારોના કોઈપણ વિસ્તારમાં ડિસ્કો ડાંડીયા ક્લાસીસ ચલાવવા દેવામાં આવશે નહીં
અન્ય કોઈપણ વિસ્તારમાં ડિસ્કો ડાંડીયા ક્લાસીસ ચાલુ હોય ત્યાં પાટીદાર યુવક- યુવતીઓને એન્ટ્રી આપવી નહીં
જો પાટીદારોના કોઈપણ વિસ્તારમાં એપાર્ટમેન્ટના પાર્કિંગ કે કોમન પ્લોટમાં ગરબા શીખવા માટેનું આયોજન કરવામાં આવે તો ત્યાં કોરિયોગ્રાફર જઈને શીખવે તેવી વ્યવસ્થા ઊભી કરવી
રક્ષાબંધનના તહેવારથી મોરબીમાં નવા બસ સ્ટેશન પાછળ કન્યા છાત્રાલયમાં પાટીદાર સમાજની દીકરીઓ માટે ગરબા શીખવવા માટે ગરબા ક્લાસીસ શરૂ કરવામાં આવશે
આમ, પાટીદાર સમાજ દ્વારા આ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. આ બધા જ નિર્ણયોમાં ગરબા ક્લાસીસના સંચાલકો દ્વારા પાટીદાર સમાજને સહકાર આપવા માટેની ખાતરી આપવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને હાલમાં જે નિર્ણયો ડિસ્કો ડાંડિયા ક્લાસીસ અને ગરબા ક્લાસીસને લઈને લેવામાં આવ્યા છે તેમાં સહકાર આપવાની ખાતરી ગરબા કલાસીસ વાળા આપી રહ્યા છે. જો કે, નિર્ણયનો ભંગ કરવામાં આવશે તો પાટીદાર સમાજના અગ્રણીઓ અને યુવાનો પ્રથમ હાથ જોડીને અને ત્યારબાદ કાયદો હાથમાં લઈને ડિસ્કો ડાંડિયા ક્લાસીસ બંધ કરાવશે તેવી પણ ચીમકી ઉતારવામાં આવી છે.