Bhavnagar,તા.01
શહેરની સર ટી.હોસ્પિટલમાં ઘુંટણ અને કોણીની સર્જરી માટે થઈ રહેલા વિલંબથી દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. અમદાવાદથી ઓપરેશનના સાધનો નહી આવ્યા હોવાના કારણો આપી ઓપરેશન સ્થગિત કરવામાં આવતું હોવાથી દર્દીની સારવારમાં વિલંબ થઈ રહ્યો હોવાની તબીબી અધિક્ષકને રજૂઆત કરાઈ છે.
ભાવનગર જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં ઘુંટણ અને કોણીની સર્જરીમાં હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા વિલંબના કારણે દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.હોસ્પિટલમાં ઘુંટણની તકલીફની સારવાર માટે આવતા દર્દીઓને એડમીટ કર્યાં બાદ સર્જરી માટેનો ફોન આવશે તેમ જણાવી દર્દીને રજા આપી દેવામાં આવે છે અને બાદમાં ફોન કરી દર્દીને એડમિટ કરી દેવામાં આવે છે અને બાદમાં ઘુંટણની સર્જરીના સાધનો અમદાવાદથી નથી આવ્યા તેવું કારણ ધરી સર્જરીમાં વિલંબ કરવામાં આવે છે. છેલ્લા આશરે બે-ત્રણ માસના સમયગાળામાં ઘણાં ઓપરેશન આવી રીતે દર્દીને એડમીટ કર્યાં બાદ સ્થગિત કરી દેવામાં આવ્યા હોવાના કિસ્સા બન્યા છે ત્યારે આવી રીતે દર્દીઓની સારવારમાં થતાં વિલંબ મુદ્દે વરતેજ પંથકમાં રહેતા અને ઘુંટણના દર્દીના પરિવારના સભ્ય દ્વારા સર ટી.હોસ્પિટલના તબીબી અધિક્ષકને રજૂઆત કરાઈ છે.