ગોંડલ, તા. 8
ગોંડલમાં વારંવાર લાઈટ ચાલી જાય એ નવાઈની વાત નથી. બુધવારે ઠોકી બેસાડેલો વિજ કાપ પણ લોકોને સહેવો પડે છે. ત્યારે ગઇકાલ બુધવારે કપુરીયા ફીડર માં આવતા ખોજા સોસાયટી, કડવાણી નગર,પંચનાથ, મરીયમબાગ, નાની મોટી બજાર, ગુંદાળા શેરી, કંટોલીયા રોડ, ભગવતપરા સહિત સોળ જેટલા વિસ્તારોમાં સવારનાં આઠ થી સાંજનાં પાંચ સુધી વિજ કાપ હોય લોકો ગરમીમાં બફાયા હતા.વરસાદી વાતાવરણ માં લાઇટ વગર અસહ્ય બફારામાં લોકોની હાલત કફોડી થઇ હતી.
નવ કલાકનાં આકરા વિજ કાપ અંગે પીજીવીસીએલનાં ડેપ્યુટી એન્જીનીયર કણસાગરા ને રજુઆત કરાતા તેમણે રીપેરીંગ ચાલી રહ્યાનું જણાવ્યુ હતુ.ત્યારે સવાલ એ ઉઠે કે નવ નવ કલાક નાં વિજકાપમાં લોકોની પરિસ્થિતિ અંગે વિજતંત્ર દ્વારા કોઇ દરકાર લેવાઇ નહી હોય?
કલાકો સુધી વિજ કાપની છાસવારે બનતી ઘટનાઓમાં પીજીવીસીએલ ની અણઆવડત ખુલી પડી રહીછે.બીજી બાજુ પીજીવીસીએલ ની આડેધડ વિજકાપ માટેની અંગ્રેજનિતિ સામે લોકોમાં રોષ ફેલાયો છે.
વિજતંત્રનાં સુત્રો અનુસાર કપુરીયા ફીડરમાં ઇલેવન ક્રોસીંગ કેબલનું કામ થઇ રહ્યુ હોય નવ કલાક નો વિજકાપ મુકાયો હતો. વિજતંત્રનાં મનમાની પુર્વક નાં સેડ્યુલ નો ભોગ લોકો બની રહ્યા છે.