New Delhi,તા.25
પંજાબી સિંગર દિલજીત દોસાંઝ હવે ઇન્ટરનેશનલ સ્ટાર બની ગયો છે. તેના લાઇવ કોન્સર્ટની સાથે-સાથે તેની ફિલ્મોની પણ ફેન્સ આતુરતાથી રાહ જોતા હોય છે. થોડા સમય પહેલાં દિલજીતની ફિલ્મ સરદારજી 3 આવી હતી. આ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર હોવાને કારણે ઘણો વિવાદ થયો હતો અને ભારતમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે તેણે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચો પર સવાલો ઉઠાવ્યા છે.
પહલગામ હુમલા પછી ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિલજીતની ફિલ્મ સરદારજી 3 માં હાનિયા આમિરના હોવાથી તેના પર પણ પ્રતિબંધ લાગ્યો હતો અને લોકોને દિલજીત દોસાંઝ પર ખૂબ ગુસ્સો ઉતાર્યો હતો. તેમણે આ ફિલ્મ વિશે સ્પષ્ટતા પણ કરી હતી. પરંતુ હવે, ક્રિકેટ મેચ પછી દિલજીતે સવાલો ઊભા કર્યા છે.દિલજીત દોસાંઝની એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે, જેમાં તે ભારતના રાષ્ટ્રધ્વજને સલામી આપતો જોવા મળી રહ્યો છે. ધ્વજ તરફ જોતા તે કહે છે, ‘તે મારા દેશનો ઝંડો છે. તેના માટે હંમેશા સન્માન છે. મારી ફિલ્મ સરદારજી 3 નું શૂટિંગ ફેબ્રુઆરીમાં થઈ ગયું હતું, જ્યારે મેચ હમણાં રમાઈ રહી છે. મારી પાસે ઘણા જવાબો છે, પણ હું ચૂપ રહું છું. તે હુમલા પછી પણ અને આજે પણ અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કે આતંકવાદીઓને કડકમાં કડક સજા મળવી જોઈએ. ફરક માત્ર એટલો જ છે કે મારી ફિલ્મનું શૂટિંગ હુમલા પહેલાં થયું હતું અને મેચ હુમલા પછી થઈ છે.’
દિલજીત અહીં અટક્યો નહી અને તેણે મીડિયા પર પણ નિશાન સાધતા કહ્યું, ‘નેશનલ મીડિયાએ મને ‘એન્ટી નેશનલ’ ગણાવ્યો, પરંતુ શીખ અને પંજાબી સમુદાય ક્યારેય દેશ વિરુદ્ધ જઈ શકે નહીં.’જણાવી દઈએ કે સરદારજી 3માં હાનિયા આમિર હોવાને કારણે દિલજીતે તેને ફક્ત વિદેશમાં જ રિલીઝ કરી હતી. તેમ છતાં, ત્યારે દિલજીતનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી હતી.