Vadodara,તા.24
વડોદરા શહેરના વોર્ડ નંબર 13 વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પીવાનું ગંદુ પાણી આવતું હોવાથી ત્રાસેલા લોકોએ હવે કોર્પોરેશન સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
વોર્ડ નં.13 વિજયનગર-2 સોસાયટીમાં પીવાના પાણીમા ડ્રેનેજનું ગંધાતું પાણી મિશ્રણ થઈને આશરે 100 મકાનમાં છેલ્લા એક મહિનાથી મળતું હોવાથી લોકો ભારે ત્રાહિમામ છે. ગંદુ, કાળુ ડ્રેનેજ યુક્ત પાણી મળતું હોવાથી રહીશોએ કોર્પોરેશનમાં ઓનલાઇન અને લેખિત પણ રજૂઆત કરી છે આમ છતાં પ્રશ્ન હલ કરવામાં આવ્યો નથી. પાણીની સમસ્યાના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. લોકો કહે છે કે ગંદા પાણીથી પેટમાં દુખાવા અને સ્કીન ના રોગોની ફરિયાદો વધી છે પાણી ઉકાળીને પણ પી શકાય તેવું નથી. ક્યાંક ગટર લાઈન અને પાણીની લાઈન લીકેજ હોવાથી પાણી મિક્સ થઈને ગંદુ મળતું હોવાનું જણાઈ રહ્યું છે, જેનો ફોલ્ટ તાત્કાલિક શોધવો જરૂરી છે.