Chotila,તા.25
ચોટીલાના વાવડી ગામે કોઈ પાંચેક દિવસ પહેલાં રાત્રીના સમયે 10 થી વધુ લોકોએ એક મકાનની અંદર ધસી જઈ રહેતા લોકો ઉપર હુમલો કરેલ તેમજ આ ઘટનામાં વાહનમાં ધોકા પાઇપ મારી તોડફોડ કરી એક વ્યકિત ને માર મારી ઇજા પહોચાડી હતી. જે અંગે પોલીસે સામાન્ય કલમ નાખી ગુનો દાખલ કર્યાનાં ભોગ બનનારનાં પરિવાર આક્ષેપ સાથે ગામનાં ભાઇ બહેનો મોટી સંખ્યામાં પોલીસ મથકે ઘસી જઇ હલ્લાબોલ મચાવી બંગડીઓ ફેકી આક્રોશ સાથે ભારે કલમનાં ઉમેરો તેમજ આરોપી પકડવા માંગ કરી હતી.
બુધવારના ખરા તાપમાં નાના બાળકો સાથે મહિલાઓ અને સ્થાનિકોનાં ટોળુ પોલીસ મથકે ધસી આવેલ અને ઘટનાને પૈસાના જોરે દબાવવામાં આવતી હોવાનું તેમજ આરોપીઓને છાવર્યા હોવાનો આક્ષેપ કરી પોલીસ મથકે મહિલાઓએ હલ્લાબોલ મચાવી બંગડીઓ ફેકી આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ અંગે ભોગ બનનારાઓએ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે, તાજેતરમાં પૈસાની માંગ સાથે ૧૦ થી વધુ હુમલાખોરોએ હથિયારો સાથે ઘરમાં આવી હિચકારો હુમલો કરી ઇજા પહોચાડી છે. તેમજ કાર મોટરસાયકલ અને ઘરમાં તોડફોડ કરી હતી. સોનાની માળા અને રોકડ રકમની લૂંટ ધાડ કરીને આરોપીઓ નાસી છૂટયા છે. ફરિયાદ નોંધાવવા છતાં સ્થાનિક પોલીસે રાજકીય દબાણમાં ઇરાદાપૂર્વક હળવી કલમો લગાવીને હુમલાખોરોને બચાવવાની કોશિશ કર્યાં નો આક્ષેપ કર્યો છે. હુમલાની ઘટના બાદ આજ દિન સુધી પોલીસે આ બનાવમાં લૂંટ ધાડ હત્યાની કોશિશ જેવી ભારે કલમો ન લગાવતા બુધવારનાં ૨૦૦ લોકોનું ટોળું પોલીસ મથકે દોડી આવી હલ્લાબોલ મચાવ્યો હતો.નાના બાળકો સાથે મહિલા સહિત સ્થાનિકોએ ત્રણ કલાકથી વધુ અડીંગો જમાવતા પોલીસ મથકનું ગ્રાઉન્ડ ઘોડીયા ઘરમાં તબદીલ થઇ જતા બેડામાં દોડધામ મચી ગઈ હતી જોકે કડક કાર્યવાહી અને સમજાવટ બાદ આખરે મામલો થાળે પાડયો હતો. ઈજાગ્રસ્ત યુવકે વાયરલ વીડિયોમાં પૈસાની લેતીદેતી બાબતે હુમલો કર્યાનું જણાવ્યું છે. પરંતુ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ખનીજ સંપદાના ખનનના ધંધામાં એકબીજા સાથે અગાઉની માથાકૂટમાં હુમલો થયાની ચર્ચા છે. આ મામલે હાલ તપાસ ચાલું છે. અને પોલીસ તેમની કામગીરી કરી રહી હોવાનું અધિકારી દ્વારા જણાવાયું છે.