Rajkot,તા.4
રાજકોટ જિલ્લાનાં જુદા-જુદા તાલુકાઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગીરનારના સિંહોનાં સતત આંટાફેરા થઈ રહ્યા છે અને ખાસ કરીને હવે તો, છેલ્લા એકાદ વર્ષથી ગોંડલ- જેતપુરના વિસ્તારોમાં 7 જેટલા સિંહોએ કાયમી વસવાટ કર્યો છે.
આ બાબતને ધ્યાને રાખી ઉપરોકત વિસ્તારોમાં સિંહની સંખ્યા વધે અને તેનો વસવાટ તથા વિસ્તાર હજુ વધે તે હેતુથી રાજય સરકારે સૌરાષ્ટ્રનો સૌ પ્રથમ એવો `સાવજ ગૃહ’ પ્રોજેકટની અમલવારી શરૂ કરી દીધી હોવાનું જિલ્લાના વન વિભાગનાં સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
ઉપરોકત વિસ્તારોમાં સિંહોને પૂરતો ખોરાક અને તૃણાહારી (ઘાંસ ચરતા પશુ)ઓને પણ પૂરતો ખોરાક મળી રહે તે માટે વન વિભાગે `સાવજ ગૃહ’ પ્રોજેકટ અંતર્ગત વાવેતર વધારવા સાથે પીવાના પાણીના કૃત્રિમ ોત ગોંડલ-જેતપુર વિસ્તારમાં ઉભા કરવાનું શરૂ કરી દીધુ છે.
આ અંગે વન વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી વન વિભાગ હેઠળની ગોંડલ ક્ષેત્રિય રેન્જ હેઠળ આવતા ગોંડલ રાઉન્ડની ભંડારિયા અનામત વીડિ તેમજ જેતપુર રાઉન્ડની ખારચીયા વીડિ જયાં સિંહ પરિવારના અવાર નવાર આંટાફેરા હોય તે વિસ્તાર સિંહના નિવાસસ્થાન તેમજ તૃણાહારી પ્રાણી જેવા કે નિલગાય, હરણ, કાળીયાર, ચિંકારા, શાબર જેવા પ્રાણીઓને પીવાનું પાણી તેમજ તેમના ખોરાક માટે ઉભા કરાયેલ સાવજગૃહમાં વાંસ, ખાખરો, બોરડી, કટગુંદી, કરમદા, વડ, નગોળા, ઉમરા જેવા સંખ્યાબંધ રોપાનું વાવેતર કરવામાં આવેલ છે.
જેમાં ઋતુ પ્રમાણે ફળો અને સિંહો તેમજ તૃણાહારી પ્રાણીઓ ખોરાક અને છાયડો મળી રહે તે દિશામાં સૌરાષ્ટ્ર પ્રથમવાર મુખ્ય વન સંરક્ષક મુનેમ્વરરાની તેમજ મોરબી નાયબ વન સંરક્ષક સુનિલકુમાર બેરવાલ તેમજ રાજકોટ મદદનીશ વન સંરક્ષક ગઢવીની સુચનાથી ગોંડલ ક્ષેત્રીય રેન્જના આરએફઓ ડી.એ. જાડેજા અને ગોંડલ રાઉન્ડ ફોરેસ્ટર એચ.એમ. જાડેજા દ્વારા સિંહોના આવન જાવન વાળા વિસ્તારમાં બે સાવજ ગૃહ બનાવવામાં આવેલ છે.
જિલ્લા વન વિભાગનાં સૂત્રો એવું પણ જણાવે છે કે, `સાવજગૃહ’ પ્રોજેકટ અંતર્ગત ઉપરોકત કામગીરી રાજય સરકારની સુચનાથી કરવામાં આવી રહી છે. હાલ વન વિભાગની ટીમો વધુને વધુ વિસ્તારમાં વનીકરણની સાથોસાથ જંગલી પશુ-પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી રહ્યું છે.

