Surendranagar,તા.06
સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે આગામી ૧૯ ડિસેમ્બરના રોજ પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટ યોજાશે. ગુજરાતમાં રોકાણ આકર્ષવાના હેતુથી આયોજિત આ સમિટની તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટરે બેઠક યોજી હતી.
આ સમિટમાં બી૨બી અને બી૨બી (બિઝનેસ ટુ ગવર્નમેન્ટ) જેવી મહત્વની બેઠકો અને સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યત્વે એગ્રો, ફૂડ પ્રોસેસિંગ, ઓટો કમ્પોનન્ટ, સિરામિક અને ટેક્સટાઇલ સહિતના અગ્રણી ક્ષેત્રોમાં રોકાણની સંભાવનાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.સમિટના સુચારુ સંચાલન માટે કલેક્ટર દ્વારા અધિકારીઓને ટ્રાફિક નિયમન, પોલીસ બંદોબસ્ત, વીજ પુરવઠો, સ્વચ્છતા અને આરોગ્ય વિષયક સુવિધાઓ સહિતની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા તાકીદ કરવામાં આવી છે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અને ઉદ્યોગ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

