પાકિસ્તાનમાં પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘુ જોકે બંનેના ભાવ સામાન્ય નાગરિકના શ્વાસ ઉડાડી દે તેવા છે, ત્યાં કશું સસ્તું નથી
Pakistan , તા.૧૭
પાકિસ્તાનની સમવાયતંત્રી સરકારે પેટ્રોલના ભાવ પાકિસ્તાની રૂપિયામાં ૨૬૫.૪૫ લીટર દીઠ રાખ્યા છે. તેમાં કશો ફેરફાર કર્યો નથી. પરંતુ ત્યાં ડીઝલના ભાવ લીટર દીઠ ૬ રૂા. વધીને ૨૭૮.૪૪ માંથી ૨૮૪.૪૪ થયા છે. જીયો ન્યૂઝે શનિવારે સાંજે પાકિસ્તાનનાં નાણાં મંત્રાલયે પ્રસિદ્ધ કરેલું જાહેરનામું ટાંકતાં આ પ્રમાણે જણાવ્યું હતું.
આ મહીનાના પ્રારંભે સરકારે હાઈ-સ્પીડ-ડીઝલના ભાવમાં પાકિસ્તાની રૂપિયા ૬નો વધારો જાહેર કરી ડીઝલના રૂા. ૨૭૮.૪૪ થી ઉંચકી ૨૮૪.૪૪ જાહેર કર્યા છે. ૧લી નવેમ્બરે સરકારે પેટ્રોલના ભાવ ૨.૪૩ (પાક) રૂા. વધારી ૨૬૫.૪૪ કર્યા હતા. તેમાં આ વખતે કોઈ વધારો જાહેર કર્યો નથી. આમ છતાં ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સામાન્ય માનવીના શ્વાસ ચઢાવી દે તેવા છે. ધી ન્યૂઝ ઈન્ટરનેશનલ જણાવે છે કે, ગલ્ફ વિસ્તારમાંથી ડીઝલનો પૂરવઠો ઘટતાં ૧૬મી નવેમ્બરથી તેમાં ૯.૬૦ સુધી વધી જશે તેમ ઉદ્યોગો માનતા હતા, પરંતુ માત્ર ૬ રૂપિયા (પાક.)નો વધારો થતાં ઉદ્યોગોએ થોડી રાહત અનુભવી છે.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ પંજાબ તો ઘઉંનો કોઠાર કહેવાય છે. જ્યારે સિંધુ તો મૂળ ત્રિકોણ ચોખાનો ભંડાર કહેવાય છે, છતાં પાકિસ્તાનમાં ઘઉં ૮૦ રૂા. કિલો અને ચોખા ૧૦૦ રૂા.થી ઉપર કીલોદીઠ પહોંચી ગયા છે. શાકભાગી પણ અસામાન્ય મોંઘા થઈ ગયા છે, તેથી કેટલાક નિરીક્ષકોએ ગજબનો કટાક્ષ કર્યો હતો કે પાકિસ્તાનમાં બુદ્ધિ સહિત દરેક વસ્તુની ખેંચ જ રહેલી છે.

