Ahmedabad, તા.30
પોસ્ટ ગ્રેજયુએશન મેડિકલમાં તાજેતરમાં પૂરા થયેલા બીજા રાઉન્ડના અંતે કુલ 212 બેઠકો ખાલી પડી છે. મહત્ત્વની વાત એ છે કે, 212માંથી 143 વિદ્યાર્થીઓ એવા છે કે જેઓને પ્રવેશ સમિતિ દ્વારા જે તે કોલેજમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો હોવા છતાં તેઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી. પ્રવેશ મળ્યા પછી કન્ફર્મ ન કરાવવાના કારણે વિદ્યાર્થીદીઠ 25 હજાર રૂપિયા લેખે અંદાજે 35 લાખ રૂપિયા ડિપોઝિટ જતી કરવી પડશે.
મેડિકલ પછી એમ.ડી.અને એમ.એસ.માં પ્રવેશ માટે કુલ 2101 બેઠકો માટે બે રાઉન્ડ પૂરા કરી દેવામાં આવ્યા છે. બીજા રાઉન્ડ પછી કુલ 1958 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવીને રિપોર્ટિંગ કરી દીધું છે. જેની સામે 69 બેઠકો એવી છે કે જેમાં કોઈ વિદ્યાર્થીઓએ ચોઈસ આપી ન હોવાથી ખાલી પડી છે.
પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ પ્રવેશના નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવતાં પહેલા 25 હજાર રૂપિયા ડિપોઝિટ જમા કરાવવી પડે છે. એમબીબીએસની જેમ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પણ પ્રવેશ કન્ફર્મ ન કરાવે તો ડિપોઝિટ જપ્ત કરી દેવામાં આવે છે. આમ, બીજા રાઉન્ડ પછી કુલ 143 વિદ્યાર્થીઓએ પ્રવેશ મળ્યો હોવા છતાં ન લેતાં આ તમામ વિદ્યાર્થીઓની ડિપોઝિટ જપ્ત કરી લેવામાં આવશે.
સૂત્રો કહે છે કે, 143 વિદ્યાર્થીઓની 25 હજાર રૂપિયા લેખે અંદાજે 35 લાખથી વધારે રકમ જપ્ત થશે. આગામી દિવસોમાં ખાલી પડેલી 212 કે જેમાં 69 નોન એલોટેડ અને 143 નોન રિપોર્ટેડ બેઠકોનો સમાવેશ થાય છે.
આ બેઠકો માટે નવો રાઉન્ડ કરાશે, નવા પ્રવેશ માટે ફરીવાર રજિસ્ટ્રેશન પણ કરવામાં આવશે પરંતુ પહેલા બે રાઉન્ડમાં જેમને પ્રવેશ મળ્યો હતો અને તેઓએ કન્ફર્મ કરાવ્યો નથી તેઓ પ્રવેશ પ્રક્રિયામાંથી બહાર નીકળી જશે.
આમ, બે રાઉન્ડ પછી 1958 બેઠકો પર પ્રવેશ કન્ફર્મ કરી દેવાયો છે. હવે જે બેઠકો ખાલી પડી છે તેમાં મોટાભાગે નોન ક્લિનિકલ બેઠકો સમાવેશ થાય છે. ઓલ ઈન્ડિયા કવોટા માટે ત્રીજો રાઉન્ડ પૂરો થયા બાદ સ્થાનિક બેઠકો માટે નવો રાઉન્ડની જાહેરાત કરવામાં આવશે.