નેશનલ ફેલોશીપ ફોર અધર બેકવર્ડ કલાસીસ દ્વારા કેન્દ્રના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ સમક્ષ ફરિયાદ
Ahmedabad, તા.૧૪
દેશની જુદી જુદી યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પીએચડી કરતાં વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર દ્વારા યુજીસી માન્ય ફેલોશીપ એનાયત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને દર મહિને ફેલોશીપની રકમ આપવાના બદલે ગત જૂન ૨૦૨૪થી ફેલોશીપની રકમ ચુકવવામાં ન આવતાં ઓલ ઇન્ડિયા રીસર્ચ સ્કોલર એસોસિએશન દ્વારા તાજેતરમાં કેન્દ્ર સરકારના સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ વિભાગને લેખિતમાં ફરિયાદ કરીને તાકીદે ફેલોશીપની રકમ ચૂકવવા અને ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ ઉભી ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગણી કરવામાં આવી છે. યુનિવર્સિટીઓમાં પીએચડી કરતાં વિદ્યાર્થીઓ પૈકી જેઓ જૂનિયર રિસર્ચ ફેલોશીપ કરતાં હોય તેમને માસિક ૩૭ હજાર અને સિનિયર રિસર્ચ ફેલોશીપ કરતાં ઉમેદવારોને માસિક ૪૨ હજાર રૂપિયા ફેલોશીપ એટલે કે સ્ટાઇપેન્ડ આપવામાં આવતું હોય છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા નિર્ધારિત કરાયેલા ધારાધોરણો પ્રમાણે આ રકમ સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ,કેન્દ્ર સરકાર દ્વારા આ રકમની ચૂકવણી કરવામાં આવતી હોય છે. નિયમ પ્રમાણે દર મહિને આ રકમની ચુકવણી કરી દેવામાં આવે છે. પરંતુ ગત જૂન ૨૦૨૪થી અગમ્ય કારણોસર ખાસ કરીને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને આ રકમ ચુકવણી જ કરવામાં આવી નથી. ફેલોશીપના અભાવે વિદ્યાર્થીઓનું રિસર્ચ કાર્ય અટકી પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે. તાજેતરમાં નેશનલ ફેલોશીપ ફોર અધર બેકવર્ડ કલાસીસ દ્વારા આ મુદ્દે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય વિભાગને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે, ગત જૂનથી ફેલોશીપ અટકી છે તે તાકીદે રીલીઝ કરવામાં આવે તે જરૂરી છે. મહત્વની વાત એ કે, અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓને આપવામાં આવતી ફેલોશીપ નિયમિત રીતે રિલીઝ કરવામાં આવી રહી છે. માત્ર ઓબીસી કેટેગરીના વિદ્યાર્થી કે ઉમેદવારો માટેની સ્કોલરશીપમાં જ વિલંબ થઇ રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની અનિયમિતતાના કારણે ભારે મુશ્કેલી ઊભી થઇ રહી છે. એસો.એ માંગણી કરી છે કે, તાકીદે પેન્ડિંગ ફેલોશીપની રકમ આપવામાં આવે, ભવિષ્યમાં આ કેટેગરીના ઉમેદવારોને સમયસર ફેલોશીપ મળી રહી તે માટે બજેટમાં વ્યવસ્થા કરવામાં આવે.સરકારી ઇજનેરી તેમજ પોલિટેકનિક કોલેજના અંદાજે ૪ હજાર અધ્યાપકોને ગ્રેડ પેનો લાભ આપવામાં આવ્યો નથી. ટેકનિકલ શિક્ષણ કચેરી દ્વારા ડિપ્લોમા ઇજનેરીના એક અધ્યાપકને સ્પેશ્યિલ કેસમાં એક જ માસમાં ત્રણ ગ્રેડની પ્રક્રિયા ઓફલાઇન પૂર્ણ કરી દેવામાં આવી છે. બીજીબાજુ ૧૬ ડિગ્રી અને ૩૧ ડિપ્લોમા ઇજનેરી કોલેજના અધ્યાપકોને હજુસુધી આ ગ્રેડ પે ચુકવવામાં આવ્યો નથી. તાજેતરમાં કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીશ દોશી દ્વારા આ મુદ્દે તાકીદે અધ્યાપકોને ગ્રેડ પેનો લાભ આપવા માંગણી કરવામાં આવી છે. ભાજપ સરકાર દ્વારા અટકાવવું, લટકાવવું અને ભટકાવવાની નીતિના કારણે અધ્યાપકો તેમના હકથી વંચિત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.