Surat,તા.16
ફૂલનદેવી હત્યાકેસમાં જામીન પર રહેલા પૂર્વ સાંસદ શેર સિંહ રાણાના સ્વાગત માટે સુરતમાં મંજૂરી વગર જ 25 જેટલી બ્લેક કલરની કારના કાફલા સાથે રેલી યોજાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. શેર સિંહ રાણાની ફિલ્મી સ્ટાઈલમાં નીકળેલી રેલી અને સ્વાગતના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
એરપોર્ટથી ઓલપાડ સુધી બ્લેક કારના કાફલા સાથે રેલી યોજી રાષ્ટ્રીય જનલોક પાર્ટી (RJP)ના સંયોજક શેર સિંહ રાણા સુરતની મુલાકાતે ઓલપાડના વડોલી અને વાંક કીમ ખાતેના કાર્યક્રમોમાં હાજરી આપવા આવ્યા હતા. તેમના ગુનાહિત ભૂતકાળને ધ્યાનમાં લીધા વિના તેમના સમર્થકોએ તેમને ‘VIP’ સન્માન આપવા માટે કાયદાના નિયમોને નેવે મૂક્યા હોવાનું સામે આવ્યું છે.
રાણાના સ્વાગત માટે એરપોર્ટ પર 25થી વધુ કારો આવી પહોંચી હતી, જેમાંથી તમામ કારો કાળા રંગની લક્ઝરી સેડાન અને એસયુવી હતી. આ કાળા કાફલાએ જાહેર માર્ગો પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને શહેરના રસ્તાઓ પર ધાક જમાવી હતી. પોલીસ કે વહીવટી તંત્રની કોઈ પૂર્વમંજૂરી લીધા વિના આ કાફલો દિવસ દરમિયાન કાઢવામાં આવ્યો હતો.
આ રેલીની રીલ્સ અને વીડિયો રાત્રે પણ બનાવવામાં આવ્યાં હતાં, જે ગુજરાત કરણીસેના યુવા કાર્યકારીના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકવામાં આવ્યાં હતાં, જેનાથી આ ગેરકાયદે પ્રવૃત્તિ વધુ પ્રકાશમાં આવી છે.