Bhavnagar, તા.19
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ભાવનગરની મુલાકાતે આવે છે અને તેની જવાહર મેદાન ખાતે કાલે વિરાટ જાહેર સભા યોજાનાર હોય કાર્યક્રમો ને સફળતા પૂર્વક પાર પાડવા ભાવનગર ભાજપ ઉપરાંત સમગ્ર વહીવટી તંત્ર એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે.અને તમામ તૈયારીઓ પર વિવિધ વિભાગના અધિકારીઓ ચાંપતી નજર રાખી રહ્યા છે.
જિલ્લા કલેક્ટર ઓફિસ, પોલીસ પ્રશાસન, જિલ્લાની તમામ તાલુકા પંચાયતો,કોર્પોરેશન.નગર પાલિકાઓ નું તંત્ર આ મુલાકાત ને હેમખેમ પાર પાડવા આ કામગીરી માં જોડાયું છે.પ્રધાન મંત્રી જી ના રૂટ પર ના તમામ રસ્તાઓ રાતોરાત ટનાટન બની ગયા છે.
ઠેર ઠેર મોદીજી ને આવકારવા હોર્ડિંગ્સ લગાવાઈ રહ્યા છે.સુરક્ષા વ્યવસ્થા નો પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તો ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ,ડોક્ટર્સ ટીમ અને vip ઓ માટે આકસ્મિક ઘટનાને પહોંચી વળવા રક્તદાતાઓની ટીમ પણ તૈયાર રખાઈ છે.
જવાહર મેદાન જ્યાં મુખ્ય કાર્યક્રમો યોજાવાનો છે ત્યાં પણ ઉચ્ચ અધિકારીઓ ની દેખરેખ હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વીજ પ્રવાહ નિરંતર ચાલુ રહે અને કોઇપણ યાંત્રિક સમસ્યા ને પહોંચી વળવા PGCVL દ્વારા સભા સ્થળે 200 કેવી ના 8 જેટલા હેવી ટ્રાન્સફોર્મર કામ ચલાઉ ઊભા કરવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ લેવલીંગ અને માટી પૂરવાનું કામ પણ અંતિમ તબક્કા માં છે.ભવ્ય સ્ટેજ અને જાયન્ટ LED સ્ક્રીન પણ લોકો ની સુવિધ માટે ઇમ્પ્લાન્ટ કરવામાં આવી છે.
ભાવનગરના જવાહર મેદાન ખાતે સભા સ્થળે ગાયત્રી મંડપ સર્વિસ દ્વારા દોઢ લાખ ચો.ફુ. અને 20000 લોકો ને સમાવિષ્ટ કરી શકાય એવા જર્મન હેંગર તરીકે ઓળખાતા ત્રણ જર્મન ડોમ ઊભા કરાઈ રહ્યા છે. આ ડોમ શોક પ્રૂફ, રેઇન પ્રૂફ અને વાવાઝોડા થી રક્ષણ આપે છે.
વિકાસ કાર્યો
ભાવનગર શહેરમાં તા. 20 નારોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે ત્યારે શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમ અંગે ગઇકાલે સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, મેયર ભરતભાઈ બારડ, શહેર પ્રમુખ કુમારભાઈ શાહ, જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, રોડ શો ના ઈનચાર્જ ભરતસિંહ ગોહિલ, તુલસીભાઈ પટેલ સહિતના એ પત્રકાર પરિષદ યોજી વિગતો આપી હતી. કાલે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એરપોર્ટ ખાતે આવશે અને મહિલા કોલેજથી રૂપાણી સર્કલ સુધી દોઢ કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો યોજશે.
રોડ શો દરમિયાન આપણી સંસ્કૃતિ મુજબ ટ્રેડિશનલ ડ્રેસ સાથે વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર, આત્મનિર્ભર ટેબલોનું આયોજન કરાયું છે. સંસ્થાઓ દ્વારા વેપારીઓ, અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહેશે.
બાદ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી જવાહર મેદાનમાં ભવ્ય સભા સભામાં જનતાને સંબોધન કરશે અને બે લાખ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના ખાતમુર્હુત અને લોકાપર્ણ કરશે તેમજ શિપિંગ, મેરિટાઈમ સહિતના દેશભરના અનેક રાજ્યોના એમઓયુ કરશે. ભાવનગરભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર જનતાને આ સમગ્ર કાર્યક્રમમાં પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે.