New Delhi,તા.૧૫
સતત ત્રીજી વાર જીતીને સત્તામાં આવેલા પીએમ નરેન્દ્ર મોદીના નામ પર વધું એક રેકોર્ડ જોડાઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઝડપથી વધી છે. આ જ કારણ છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સૌથી વધારે ફોલો થતા નેતા બનીને ઊભરી આવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમના ફોલોઅર્સની સંખ્યા હવે ૧૦૦ મિલિયન એટલે કે ૧૦ કરોડને પાર કરી ગઈ છે. પ્રધાનમંત્રીએ તેના પર ખુશી વ્યક્ત કરી છે.
દેશના અન્ય નેતાઓની તુલનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી આગળ નીકળી ગયા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના એક્સ પર ૨૬.૪ મિલિયન ફોલોઅર્સ છે. તો વળી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ૨૭.૫ મિલિયન, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને એક્સ પર ૧૯.૯ મિલિયન લોકો ફોલો કરે છે, તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ૭.૪ મિલિયન ફોલોઅર્સ છે. લાલુ યાદવને એક્સ પર ૬.૩ મિલિયન, તેજસ્વી યાદવને ૫.૨ મિલિયન, જ્યારે શરદ પવારને ૨.૯ મિલિયન ફોલોઅર્સ છે.
દેશની જ વાત નથી દુનિયાના નેતાઓની વાત કરીએ તો પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, દુબઈના શાસક અને પોપ ફ્રાંસિથી પણ આગળ છે. બાઈડને ફક્ત ૩૮.૧ મિલિયન લોકો ફોલો કરે છે, જ્યારે દુબઈના શાસક એચએચ શેખ મોહમ્મદના ૧૧.૨ મિલિયન ફોલોઅર્સ છે. પીએમ મોદીની લોકપ્રિયતા દુનિયાના દરેક દેશમાં અને ખૂણે ખૂણે દેખાઈ રહી છે. આ જ કારણ છે કે તેમને ફોલો કરનારા ફક્ત ભારત જ નહીં પણ આખી દુનિયામાં વસે છે. એટલું જ નહીં દુનિયાભરમાં ખ્યાતનામ ખેલાડીઓથી પણ મોદી આગળ છે. ક્રિકેટ વિરાટ કોહલીને ૬૪.૧ મિલિયન લોકો ફોલો કરે છે, તો બ્રાઝીલિયન ફુટબોલર નેમાર જૂનિયરને ૬૩.૬ મિલિયન લોકો. અમેરિકી બાસ્કેટબોલ ખેલાડી લેબ્રોન જેમ્સને ૫૨.૯ મિલિયન લોકો એક્સ પર ફોલો કરે છે, તો સુપરસ્ટાર ટેલર સ્વિફ્ટને ૯૫.૩ મિલિયન ફોલોઅર્સ છે, તો લેડી ગાગાને ૮૩.૧ મિલિયન અને કિમ કાર્દશિયનને ૭૫.૨ મિલિયન ફોલોવર્સ છે.