Vadodara,તા.17
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર દિવસોમાં વડોદરાની મુલાકાતે આવવાના છે.વડાપ્રધાનના આગમનના પગલે વડોદરા કોર્પોરેશન તૈયારીમાં જોતરાઈ ગયુ છે. શહેરભરમાં સાફ-સફાઈ, રોડ, રસ્તાનાં સમારકામ તેમજ રોશનીથી શહેરને ઝગમગતુ કરવાની કામગીરી ચાલી રહી છે.દિવાળી પહેલા જ વડાપ્રધાનનાં આગમનના પગલે શહેરભરમાં દિવાળી જેવો માહોલ સર્જાશે.
આગામી 28 ઓકટોબરનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવનાર છે. વડોદરામાં ટાટા એરબસમાં ઉત્પાદનનું ઉદઘાટન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે હાજરી આપશે.
આર્મીમાં ઉપયોગમાં લેવાતા એરબસનું વડોદરામાં ઉત્પાદન થશે. જેના માટે હરણી રોડ પર ટાટાએ પ્લાન્ટ તૈયાર કર્યો છે. એક તરફ દિવાળી અને બીજી તરફ વડાપ્રધાનના આગમનના પગલે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
તમામ રોડ રસ્તાઓને સુધારવા, સ્વચ્છતા જાળવવા તેમજ વડોદરાને રંગબેરંગી બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત ડિવાઈડરો સર્કલો તેમજ અનેક દિવાલો પર પેન્ટ કરીને તેમને સુંદર બનાવવામાં આવી રહ્યા છે. સમિતિનાં અધ્યક્ષ શીતલ મિસ્ત્રી તેમજ મ્યુ.કમિશ્નર દિલીપ રાણા જાતે જઈને નિરિક્ષણ કરી રહ્યા છે.