New Delhi,તા.04
ઓપરેશન સિંદુરની સંસદમાં ચર્ચામાં વિપક્ષ પર સરસાઈ સ્થાપીત કર્યા બાદ હવે સંસદના ચોમાસુ સત્રમાં કોઈ મોટા નિર્ણયની તૈયારીમાં છે. એક તરફ હવે ઓપરેશન સિંદુરને પુર્ણવિરામ મુકીને સરકાર આગળ વધવા માંગે છે. બિહારમાં મતદાર યાદી પુન: સમીક્ષાનો જે મામલો છે તેમાં સરકાર ખુદની કોઈ ભૂમિકા નથી તેવા સલામત અંતર સાથે આગળ વધી રહી છે.
આજથી જ સંસદમાં સરકાર આર્થિક સહિતના મોરચે જે મહત્વના ખરડા છે તેને સંસદની મંજુરી માટે રજુ કરશે તે વચ્ચે ગઈકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ ફકત ચાર કલાકના અંતરે અલગ-અલગ રીતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા તેનાથી દિલ્હીનું રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયુ છે.
ગઈકાલે પહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન ખાતે પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિ સાથે 15-20 મીનીટની મુલાકાત કરી હતી. બાદમાં ચાર કલાક બાદ કેન્દ્રીય ગૃહમંત્રીનો કાફલો રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યો હતો અને તેઓ પણ લગભગ 30 મીનીટ દ્રૌપદી મુર્મુ સાથે બેઠક યોજી હતી. આમ સરકારના બે ટોચના મહાનુભાવોની એક જ દિવસમાં ફકત ચાર કલાકના અંતરે રાષ્ટ્રપતિ સાથે મુલાકાતથી ચર્ચાને વેગ મળ્યો છે.
જેમાં અનેક મુદાઓમાંથી કોઈ મહત્વના મુદા પર બેઠક યોજાઈ હોવાનું માનવામાં આવે છે અને માનવામાં આવે છે કે કોઈ મોટો બંધારણીય કે રાજકીય નિર્ણય લેવાની તૈયારી સરકાર કરી રહી છે. સંસદના સત્ર દરમ્યાન સરકારના બે ટોચના નેતાઓ એક જ દિવસમાં રાષ્ટ્રપતિની મુલાકાત લે તે મહત્વની ઘટના છે. એક તરફ ટ્રમ્પના ટેરીફ મુદે સરકાર હવે નિર્ણાયક બનવા જઈ રહી છે.
તો બીજી તરફ બિહારમાં મતદાર યાદી પુન: સમીક્ષા મુદે વાતાવરણ ગરમ છે અને ચુંટણીપંચ-વિપક્ષની ટકકર વધી રહી છે તથા ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડના રાજીનામા અને નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે. આ તમામ વચ્ચે સરકાર કોઈ મહત્વનો ખરડો લાવી રહી છે તેની ચર્ચા છે.
જેમાં સમાન નાગરિક ધારા (યુસીસી) નો મુદો છે. જો કે તે માટે સરકાર કોઈ ઉતાવળમાં ના હોય તેવા સંકેત છે તો જમ્મુ-કાશ્મીરને પુર્ણ રાજયનો દરજજો આપવા મુદે પણ શકયતાઓ દર્શાવાઈ રહી છે. આમ સરકાર કોઈ મોટા નિર્ણયની તૈયારીમાં હોય તેવી શકયતા દર્શાવાઈ રહી છે. સંસદમાં વિપક્ષ હવે બિહાર મતદાર યાદી મુદે વિપક્ષ સંસદ ખોરવશે તે વચ્ચે સરકાર કોઈ મચક આપવા તૈયાર નથી.