Gandhinagar, તા.30
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચશે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે એકતાનગર ખાતે યોજાનારા અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે અને 1219 કરોડના વિવિધ પ્રોજેકટનો શિલાન્યાસ-ઉદ્દઘાટન કરશે.
અખંડ ભારતના શિલ્પી લોહપુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી 31 ઓક્ટોબરની એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના ઉજાગર કરતી ઉજવણી કરવામાં આવશે તેમ જણાવતાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાધાણીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સરદાર સાહેબની 150મી જન્મજયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણીનું બહુવિધ આયોજન કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડની પેટર્ન પર રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે એકતાનગર ખાતે પ્રથમ વખત ભવ્ય મૂવિંગ પરેડનું આયોજન, વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો તથા રાજ્યોની સિદ્ધિઓ દર્શાવતા ‘એકત્વ’ થીમ આધારિત 10 ટેબ્લોઝ પ્રસ્તુત કરવામાં આવશે.
વડાપ્રધાન તા. 30 અને 31 ઓક્ટોબરે કેવડીયા એકતાનગર ખાતે યોજાનાર એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે. ં તેઓ 30 ઓક્ટોબરના રોજ સાંજે 5.30 કલાકે વડોદરાથી એકતાનગર ખાતે આવી પહોંચશે અને ઈ-બસોને લીલી ઝંડી આપશે તથા એકતાનગરમાં રૂ. 1,219 કરોડથી વધુના વિવિધ માળખાગત અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે તથા તેઓ સરદાર સાહેબની 150મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં સ્મૃતિ સિક્કાનું અને ટપાલ ટિકીટનું પણ અનાવરણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતને જે 1,219 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની ભેટ આપવાના છે તેમાં 367 કરોડના ખર્ચે નિર્માણ થનારા ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઇન્ડિયાના ખાતમુહૂર્ત સહિત કુલ રૂ. 700 કરોડથી વધુ રકમના ખાતમુહૂર્ત તથા આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાના નામ સાથે જોડાયેલા 303 કરોડના ખર્ચે નિર્મીત બિરસા મુંડા ભવનના ઉદ્ઘાટન સહિત કુલ 519 કરોડ રૂપિયાના વિકાસ કામોના ઉદ્ઘાટન પણ કરશે.
તેમણે ઉમેર્યું કે, 31 મી ઓક્ટોબરે સવારે વડાપ્રધાન સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરશે તથા એકતાનગર ખાતે ભારત પર્વ અંતર્ગત ડેમ વ્યુ પોઇન્ટ-1 ખાતે થનારી સાયક્લોથોન ઇવેન્ટનો કર્ટન રેઈઝર લોન્ચ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, JK, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરાળા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC મળીને કુલ 16 ક્નટીજન્ટ્સ સહભાગી થશે.
એટલું જ નહિં, ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાશે. આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ-અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડીંગ ટીમના 100 જેટલા સદસ્યો કરવાના છે.

