Narmada, તા.6
નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે 31 ઓક્ટોબરના સરદાર વલ્લભભાઈ પટેલની જન્મદિન નિમિતે રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી 2019થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉજવવામાં આવે છે.
આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિને પગલે ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વ નિમિતે જેવી પરેડ થાય છે એવી પરેડ આ વર્ષે એકતાનગર ખાતે થવાની છે. બે દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોકાશે.
આ વર્ષે 19 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી પ્રકાશ વર્ષની ઉજવણી થશે. જેમાં એકતા નગરીને દુલ્હનની જેમ સજાવવામાં આવશે. તમામ પ્રોજેક્ટ પર LED લાઈટો વડે રોશની કરવામાં આવશે. ત્યારબાદ ભારત પ્રકાશ વર્ષ ની ઉજવણી કરવામાં આવશે આમ આ દિવાળીથી લઈને આખું વેકેશન ભવ્ય કાર્યક્રમો કેવડિયા એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવશે.
આ બાબતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO અમિત અરોરાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય એકતા પરેડનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. રાષ્ટ્રીય એકતા પરેડ સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં એક મોટું આકર્ષણ જોવા મળે છે સાથે આ વર્ષે 19 ઓક્ટોબર થી 15 નવેમ્બર સુધી પ્રકાશ વર્ષની ઉજવણી થશે.
આ વખતે પણ દર વર્ષની જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રવાસીઓ માટે અનેક નવા પ્રોજેક્ટોનું લોકાર્પણ પણ કરવામાં આવશે અને અહીં આવતા પ્રવાસીઓને નવા આકર્ષણની ભેટ પણ મળવાની છે. જે જગ્યાએ પરેડ થવાની છે જે જગ્યાનું નિરીક્ષણ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને હાલ જે મુખ્યમંત્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું જે પ્રમાણે તંત્ર દ્વારા કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.