Bhutan.તા.11
પીએમ મોદી 11 અને 12 નવેમ્બરના રોજ ભુતાનની બે દિવસીય રાજકીય યાત્રાએ છે. આ હિમાલયી દેશ ભુતાનની તેમની 2014 પછીની ચોથી મુલાકાત હશે. તેમની આ મુલાકાત દરમિયાન, તેઓ ભુતાન સરકાર દ્વારા આયોજિત ‘ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલ’માં ભાગ લેશે, જે વિશ્વ શાંતિ અને માનવતાના ઉત્થાનના ઉદ્દેશ્યથી આયોજિત કરાઈ રહ્યો છે.
બંને દેશો વચ્ચેના ખાસ દોસ્તી અને સહયોગના સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જે દ્વિપક્ષીય ઉચ્ચ-સ્તરીય નિયમિત વાટાઘાટોની પરંપરાને અનુરૂપ છે. આ મુલાકાત દરમિયાન, પીએમ મોદી ભુતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક સાથે પણ મુલાકાત કરશે.
પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન ભુતાનના વડાપ્રધાન ત્સેરિંગ ટોબગે સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ બેઠકમાં ઊર્જા, વેપાર, સુરક્ષા અને સાંસ્કૃતિક સહયોગ જેવા ક્ષેત્રોને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે.
આ મુલાકાત દરમિયાન, બંને નેતાઓ મળીને 1020 મેગાવોટની પુનાત્સાંગછૂ-II જળવિદ્યુત પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ભારત-ભુતાન ઊર્જા સહયોગની એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે અને બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવશે.
વડાપ્રધાનની આ મુલાકાત એવા સમયે છે જ્યારે ભારતમાંથી લાવવામાં આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર પીપરહવા અવશેષોને ભુતાનમાં લોકોના દર્શનાર્થે રાખવામાં આવ્યા છે. ત્યારે પીએમ મોદી થિમ્ફુના તાશીછોજોગ મઠમાં જઈને આ પવિત્ર અવશેષોના દર્શન કરશે અને પૂજા કરશે. આ સાથે, તેઓ ભુતાનની રૉયલ સરકારે આયોજિત કરેલા વિશ્વ શાંતિ પ્રાર્થના સમારોહ (ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલ)માં પણ ભાગ લેશે.

