Bhavnagar તા.20
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાવનગરમાં સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના બંદરો અને શીપીંગ સાથે જોડાયેલા રૂા.66025 કરોડના કાર્યક્રમનું રીમોટ બટન દબાવીને લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રનો વિશાળ દરિયાકિનારો એ આ વિસ્તારમાં નવી સમૃદ્ધિના સર્જન કરવા જઈ રહ્યો છે અને આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના બંદરોના વિકાસ માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા ખાસ આયોજન કરાયું છે.
આજે સવારે 10.30 કલાકે ભાવનગર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાની મથક પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યુ હતું. શ્રી મોદીએ બાદમાં એરપોર્ટથી જવાહર મેદાન સુધીનો રોડ શો કર્યો હતો. માર્ગની બંને બાજુ હજારો ભાવનગરવાસીઓએ મોદી-મોદી કહીને વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતું તથા ચોતરફ કેસરીયા લહેરાવ્યો હતો.
શ્રી મોદીએ પણ તેમની કારના ટોપ પરથી લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું અને બાદમાં સભા સ્થળે જવા રવાના થયા હતા. જવાહર મેદાનમાં વિશાળ મેદની સાથે વડાપ્રધાનના આગમનથી જ જબરો માહોલ સર્જાઈ ગયો હતો. સોમવારથી પ્રારંભ થઈ રહેલા નવરાત્રી પુર્વે શ્રી મોદીને સ્થાનિક ધારાસભ્યો અને મંત્રીઓએ માતાજીની ચુંદડી અને ચાંદીના ગરબાથી સ્વાગત કર્યુ હતું.
વડાપ્રધાનના સભાસ્થળે સ્વદેશીનો નારો પણ ગુંજયો હતો. રોડ-શો દરમ્યાન સૌરાષ્ટ્રના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી પણ થઈ હતી. જયારે કેસરી સાડી અને સાફામાં સજજ બહેનોએ શ્રી મોદીનું અનેરુ અભિવાદન કર્યુ હતું અને સૌ હું છું ભારતના પોસ્ટર સાથે વડાપ્રધાનને આવકાર્યા હતા. આ અગાઉ આજે શ્રી મોદીના આગમન પુર્વે જબરો સુરક્ષા બંદોબસ્ત લાદી દેવામાં આવ્યો હતો અને સમગ્ર ભાવનગરમાં કેસરીયા જેવું વાતાવરણ છવાઈ ગયુ હતું.