Ahmedabad,તા.25
વડાપ્રધાન નરેન્દ્રમોદી આવતા માર્ચ માસ દરમ્યાન બે વખત ગુજરાતના પ્રવાસે આવનાર છે .માર્ચની શરૂઆતમાં, તા.2નાં રોજ અને ત્યારબાદ તા.7 અને 8 માર્ચ પી.એમ.આવી રહ્યા છે. ત્યારે રાજય સરકાર પી.એમ.નાં આ પ્રવાસનાં પગલે તડામાર પુર્વ તૈયારીમાં પડી ગઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જાણકારી મુજબ પીએમ મોદી માર્ચ મહિનાની શરૂઆતમાં બે વખત ગુજરાતની મુલાકાતે આવશે જેમાં સૌ પ્રથમ તેઓ 2 અને 3 માર્ચ તે બાદ 7 અને 8 માર્ચે તેઓ ગુજરાતમાં બે અલગ-અલગ વિસ્તારની મુલાકાત લેશે.
મળતી માહિતી મુજબ ઙખ મોદી આવનારા મહિનાની 2 અને 3 માર્ચના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં 2 માર્ચના રોજ સાસણમાં સિંહ દર્શન અને રાત્રી રોકાણ કરશે. મહત્વનું છે કે, વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી વખત ગીરની મુલાકાતે આવી રહ્યા છે.
3 માર્ચે વિશ્વ વન્યસૃષ્ટિ દિવસ છે એટલે તે દિવસે પીએમ મોદી નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડના અધ્યક્ષ હોવાથી બેઠકમાં ભાગ લેવા સાસણ આવશે. ત્યારબાદ 3 માર્ચના રોજ તેઓ સોમનાથ મંદિરે જશે.
પીએમ મોદી 7 અને 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ સહિતની ઉજવણી માટે તેઓ સુરત અને નવસારીની મુલાકાતે આવશે. જેમાં 7 માર્ચે પીએમ મોદી સુરતમાં સાંજના સમયે અહીંના લિંબાયત વિસ્તારના નીલગીરી મેદાનમાં સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે.
આ દરમિયાન સુરતમાં જ રાત્રી રોકાણ કરી બીજે દિવસે સવારે નવસારીમાં વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે. અહીં તેઓ મહિલાલક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરશે.
ત્યાર બાદ 8 માર્ચની સાંજે નવસારીથી દિલ્હી જવા માટે રવાના થશે.ત્યારે પીએમ મોદીના આ કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યુ છે.