Surendranagar,તા.૬
સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ પોલીસ દ્વારા અમરાપર ગામ ખાતે રહેતા ૨૧ વર્ષીય આશિષ મોરી નામના વ્યક્તિને રૂપિયા ૫૦૦ના દરની ૯૭ નકલી નોટ સાથે ઝડપી પાડ્યો છે. આરોપી આશિષ મોરીની પૂછપરછમાં તેની પાસે રહેલ નકલી નોટ થાનગઢ તાલુકાના ખાખરાળી ગામ ખાતે રહેતા અજય ઉધરેજીયાએ આપી હોવાનું જણાવ્યું છે. જેમાં આ વ્યક્તિ આરોપી આશિષ મોરીને ૫૦૦ના દરની ૧૦૦ નકલી નોટ આપી ગયો હતો.
આરોપીએ તેમાંથી પોતે ત્રણ નકલી નોટ અલગ અલગ જગ્યાએ વટાવી હોવાનું જણાવ્યું હતું. જેથી સમગ્ર મામલે થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ ૧૭૯, ૧૮૦ મુજબ આશિષ મોરી તેમજ અજય ઉધરેજીયા નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આશિષ મોરી વાળંદ કામ કરતો હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલે થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનારા મેલા ઝાપડિયા દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ૨ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ ખાનગી રાહેથી હકીકત મળી હતી કે આશિષ મોરી પાસે ગેરકાયદેસર વસ્તુ છે. જે હકીકત મળતાની સાથે તેની પૂછપરછ કરતા તેની પાસે ભારતીય બનાવટની ખોટી ચલણી નોટો હોવાનું જણાવ્યું હતું. જે નકલી નોટ બાબતેની ખરાઈ કરવા થાનગઢ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ખાતે મોકલવામાં આવી હતી. બાદમાં ૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ નોટ નકલી હોવાનું સામે આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હાલ તો પોલીસ દ્વારા આરોપી આશિષની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ ઉધરેજીયાની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ઉધરેજીયા પાસે નકલી નોટ કેવી રીતે આવી હતી? તેને પોતે બનાવી હતી કે તે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી લાવ્યો હતો? અન્ય કેટલા વ્યક્તિઓ નકલી નોટ બાબતે સંડોવાયેલા છે તે સહિતની બાબતો અંગે તપાસ હાથ ધરવામાં આવશે.