Jamnagar, તા.7
દ્વારકામાં રવિવારે ઢળતી સાંજે દીવાદાંડીના ત્રીજા બારીએથી આઠ વર્ષના પુત્રને નીચે ફેંકી દઈ તેની માતાએ પણ ઝંપલાવ્યા બાદ નીચે પટકાયેલ બંને માતા-પુત્રના કરૂણ મોત નિપજ્યા હતા. પોલીસે મૃતક મહિલાના માતાની ફરીયાદ પરથી મૃતક મહિલાના પિતા તથા પતિ વિરૂધ્ધ ગુન્હો નોંધાવતા બંને આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
આ ચકચારી પ્રકરણની વિગત અનુસાર દ્વારકાના દીવાદાંડીની ત્રીજા નંબરની બારીએથી રવિવારે સોયનાબેન મયુરભાઈ સોલંકી નામના મહિલાએ પોતાના આઠ વર્ષના પુત્ર મયંકને નીચે ફેંકયા બાદ પોતે પણ નીચે ઝંપલાવી મોત વહોર્યુ હતું. નીચે પટકાયેલ માતા-પુત્ર ગંભીર ઈજાને લીધે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
બનાવની જાણ થતા દોડી આવેલ પોલીસની ટીમે બંને મૃતદેહનો કબ્જો સંભાળી મૃતક સોયનાબેનના માતા જીવીબેનનું નિવેદન નોંધ્યા બાદ જીવીબેને પોતાના પતિ મસરીભાઈ રામશીભાઈ ગામી તથા સોયનાબેનના પતિ મયુર સોલંકી વિરૂધ્ધ સોયનાબેનને મરી જવા માટે દુષ્પ્રેરણા આપવા અંગેની ફરીયાદ નોંધાવી હતી. મૃતક સોયનાબેન આશરે 8 વર્ષ પૂર્વે રાવલ ગામના મયુર સોલંકી સાથે લગ્ન બાદ ગૃહકલેશને કારણે આશરે 9 વર્ષ જેટલા સમયથી દ્વારકા પરત આવી ગયેલ. બાદમાં લાંબા સમય સુધી સમાધાન ન થતાં પુન: સાસરે જઈ શકેલ નહિં.
પોલીસે મૃતક મહિલાના માતા દ્વારા કરાયેલ ફરીયાદ આધારે મૃતક સોયનાબેનના પિતા મસરીભાઈ તથા પતિ મયુર વિરૂધ્ધ બીએનએસની કલમ હેઠળ ગુન્હો નોંધી બંનેની ધરપકડ કરી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ પી.આઈ. બારસીયા ચલાવી રહયા છે.

