Morbi તા.8
વાંકાનેર શહેરના દાણાપીઠ ચોક નજીક થોડા દિવસ પહેલા એક વેપારીને નિશાન બનાવી રીક્ષામાં બેસાડી નજર ચૂકવી ઉલ્ટીના બહાને રોકડ રકમ રૂા.42,000ની ચોરી કરવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે આવા ગુના આચરતી સંગઠીત રીક્ષા ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન આ ગેંગના ચાર આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.
આ બનાવમાં પોલીસે સીસીટીવી ફૂટેજ તથા ટેકનીકલ મદદથી રીક્ષા ગેંગના સાગરીત ભાર્ગવભાઈ હીતેશભાઈ (રહે. ઉમિયા ચોક, જશરાજ શેરી નં.4, રાજકોટ), ભરત મુળજીભાઈ ચંદ્રપાલ (રહે. ગોંડલ રોડ, રાજકોટ), ગોરધનભાઈ દેવજીભાઈ ગેડાણી (રહે.પોપટપરા શેરી નં.4, રાજકોટ) અને સોહીલ નજીરશા રફાઈ (રહે. જામનગર રોડ, રાજકોટ)ને ઝડપી પાડી આરોપીઓ પાસેથી પોલીસ દ્વારા રોકડ રકમ રૂા.42,000 એક રીક્ષા તથા ચાર મોબાઈલ ફોન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોય અને અન્ય શહેરોમાં પણ આ પ્રકારની ચોરીની ઘટનાઓમાં તેમની સંડોવણી હોવાની શકયતા છે. પોલીસે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ વધુ પુછપરછ ચલાવવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે વેપારી વર્ગમાં ચેતના ફેલાઈ છે અને પોલીસે અજાણ્યા લોકો સાથે સાવચેત રહેવા અપીલ કરી છે.
આ કામગીરી પો.ઈ. બી.વી. પટેલ તથા પો.હે.કો. યશપાલસિંહ પરમાર, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્ર્વરાજસિંહ ઝાલા, જનકકસિંહ પરમાર પો.કો. રાણીંગભાઈ ખવડ, દર્શીતભાઈ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા, વિપુલભાઈ પરમાર તથા ઘનશ્યામભાઈ દ્વારા કરવામાં આવી હતી.

