Surendranagar, તા.15
સુરેન્દ્રનગર શહેરના રતનપરમાં રહેતા વૃધ્ધની આર્થીક પરીસ્થીતી સારી ન હોય એક શખ્સ પાસેથી 10 ટકાના ઉંચા વ્યાજે રૂપિયા લીધા હતા. આ પેટે વ્યાજ અને બાદમાં મુદ્દલ આપી દેવા છતાં તે વધુ 79 હજાર માંગતો હતો. અને રૂપિયા લીધા પહેલા આપેલ ચેક રીટર્ન કરાવી કોર્ટમાં કેસ કરી સમાધાન માટે રૂપિયા 79 હજાર કોર્ટમાં ભરાવ્યા હતા.
આ અંગે જોરાવરનગર પોલીસ મથકે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ છે.આ અંગેની પોલીસ સુત્રો પાસેથી વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ રતનપર પાણીની ટાંકી પાસે આવેલ લબ્ધીનગરમાં રહેતા 68 વર્ષીય ધીરૂભાઈ નારાયણભાઈ શીશા નીવૃત જીવન વિતાવે છે. વર્ષ 2016માં તેઓની આર્થીક સ્થીતી સારી ન હોવાથી તેઓએ રતનપર સ્વામીનારાયણ મંદિર પાસે રહેતા ગૌતમ શીવાભાઈ વેગડ પાસેથી વર્ષ 2016-17માં કટકે-કટકે રૂપીયા 70 હજાર 10 ટકાના વ્યાજે લીધા હતા.
જેનું તેઓ નીયમીત વ્યાજ ભરતા હતા. બાદમાં તા. 5-10-17ના રોજ ગૌતમભાઈ પાસેથી લીધેલ રૂપીયા 70 હજાર એકસાથે ચુકવી દીધા હતા. તેમ છતાં ગૌતમભાઈ અવારનવાર વ્યાજના રૂપીયા 79 હજારની માંગણી કરતા હતા. અને વ્યાજે નાણા લીધા પહેલા આપેલ ચેક રૂપીયા 79 હજારનો કરી બેંકમાં ભરી રીટર્ન કરાવ્યો હતો. અને આ અંગે કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો હતો.
બાદમાં અવારનવાર ગૌતમભાઈ ધોલ-ધપાટ કરતા હતા અને આ 79 હજાર ધીરૂભાઈ આપે તો કેસ પાછો ખેંચવાની નહીતર જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. આથી તા. 6-9-22ના રોજ ધીરૂભાઈએ કોર્ટમાં સમાધાન માટે રૂપિયા 79 હજાર ભરી દીધા હતા.
ત્યારે આ અંગે ધીરૂભાઈએ જોરાવરનગર પોલીસ મથકે વ્યાજખોર ગૌતમ શીવાભાઈ વેગડ સામે નાણા ધીરધારની કલમો સાથે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ એચસી બળવંતસિંહ પરમાર ચલાવી રહ્યા છે.