Jamnagarતા ૨૪
જામનગરનો એક રીક્ષા ચાલક યુવાન વ્યાજખોર ની ચુંગાલમાં ફસાઈ ગયો છે. ૫૦,૦૦૦ રૂપિયા ૩૦ ટકા લેખે વ્યાજે લીધા બાદ તેના ૭૫,૦૦૦ ચૂકવી દેવા છતાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી તેની બે રીક્ષાઓ આંચકી લીધી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાંવાયું છે. પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં લાલવાડી જુના આવાસ વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા હુસેન દાઉદભાઈ જુણેજા નામના ૩૦ વર્ષના રીક્ષા ચાલક યુવાને પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસુલી બે રીક્ષાઓ પડાવી લેવા અંગે જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં રહેતા અખ્તર રફીકભાઈ ખીરા સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન હુસેન જુણેજાને આજથી ચારેક વર્ષ પહેલાં પૈસાની જરૂરિયાત ઊભી થતાં તેણે આરોપી અખ્તર ખીરા પાસેથી ૫૦,૦૦૦ માસિક ૩૦ ટકા લેખે વ્યાજથી લીધા હતા. જેના ૧૫,૦૦૦ ના પાંચ હપ્તા ચૂકવી દીધા હતા. એટલે કે ૭૫ હજારની રકમ વ્યાજ સહિત આપી દીધી હતી.
તેમ છતાં આરોપી દ્વારા વધુ રૂપિયાની માંગણી કરી ફરિયાદી યુવાનની બે રીક્ષાઓ આંચકી લીધી હતી. જેથી આ મામલો સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે. જે આરોપીને પોલીસ શોધી રહી છે.