રૈયાધાર, ભીમનગર, છોટુનગર, જૂની જેલ અને શિતલપાર્ક સહિત આઠ સ્થળોએ દરોડા:ચાર મહિલા સહિત આઠ શખ્સોની ધરપકડ
Rajkot,તા.28
રાજકોટ શહેરના સ્લમ વિસ્તારમાં ધમધમતા દેશી દારૂના હાટડા પર કમોસમી વરસાદ વચ્ચે પોલીસે દરોડા પાડ્યા છે. જેમાં રૈયાધાર, ભીમનગર, છોટુનગર, જૂની જેલ, શિતલપાર્ક અને નવા 150 ફૂટ રીંગ રોડ સહિત આઠ સ્થળોએ સ્થાનિક પોલીસે રેડ કરી ચાર મહિલા સહિત આઠ શખ્સોની ધરપકડ કરી દેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. પોલીસે દેશી દારૂની ડ્રાઇવ હાથ ધરતા દારૂના ધંધાર્થીમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં ગૃહ ઉદ્યોગની જેમ ધમધમતા દેશી દારૂના હાટડાઓને કડક હાથે ડામી દેવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાએ આપેલી સૂચનાને પગલે તમામ પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે શહેરના ભક્તિનગર સ્ટેશન મેઇન રોડ વિસ્તારમાં આવેલું ઉદ્યોગનગર કોલોનીમાં રહેતો વૈભવ અશોક તાવડે મરાઠી શખ્સ રામનાથપરા જૂની જેલના જાપા પાસેથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. જ્યારે રૈયા રોડ, વૈશાલીનગર શેરી નં.4માં રહેતો સાગર વિપુલ હેરમા નામનો શખ્સ વૈશાલીનગર શેરી નં.10માં દારૂનું વેંચાણ કરતો હોવાની ગાંધીગ્રામ પોલીસને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી સાગર હેરમાને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે તેમજ શિતલપાર્ક મેઇન રોડ ઝુંપડપટ્ટીમાં રહેતો વિરમ જક્સી સાડમીયા નામનો શખ્સ દારૂનો વેંચાણ કરતો હોવાની ગાંધીગ્રામ પોલીસને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી દેશી દારૂ સાથે ઝડપી લીધો છે. છોટુનગર મફતીયાપરામાં રહેતો કનુબેન બચુ અઘારીયાને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધી છે. રૈયાધાર મફતીયાપરામાં રહેતી કંકુ કેશુ વાજેલીયાને દેશી દારૂના જથ્થા સાથે ધરપકડ કરી છે. રૈયાગામ મફતીયા દેવીપૂજકવાસમાં રહેતી હંસા હરસુખ જખાનીયા નામની મહિલાએ પોતાના ઝુંપડામાં દારૂ છૂપાવ્યો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી દેશી દારૂ સાથે ઝડપી લીધી છે. ગુરૂજીનગર ચાર માળીયા સામે રહેતો મનોજ પ્રેમ સોની ભીમનગરમાં દેશી દારૂનું વેંચાણ કરતા રંગે હાથે ઝડપી લીધો છે. ન્યૂ 150 ફૂટ રીંગ રોડ કરણ-અર્જુન પાર્ટી પ્લોટ સામે ઝુંપડામાં રહેતી તજુ વના સાડમીયા નામની મહિલાને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધી છે.

