Jamnagar તા.8
જામનગરની ભાગોળે ગઇકાલે પોલીસે બે સ્થળેથી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. જાંબુડા પાીટયા અને ઠેબા ચોકડી નજીક કારમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પોલીસે 648 બોટલ દારૂ અને બે કાર સહિત 16 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બે શખ્સો પોલીસ ઝપટે ચડતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સપ્લાયર અને નાશી જનાર એક શખ્સને ઝડપી લેવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રથમ દરોડાની વિગત મુજબ એલસીબી સ્ટાફના મયુરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, રૂષિરાજસિંહ વાળાને કારમાં થતી દારૂની હેરાફેરી અંગે બાતમી મળી હતી. આ બાતમીના આધારે એલસીબીની ટીમે ઠેબા ચોકડી નજીક મુરલીધર હોટલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની જીજે-10-એફ-9728 નંબરની શંકાસ્પદ જણાતી કાર નિકળતાં પોલીસે આ કારને અટકાવી હતી.
કારની તલાશી લેતાં પોલીસને રૂા.2,70,600 ની કિંમતનો 246 બોટલ ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે કાર લઇને નિકળેલાં યશપાલસિંહ ઉર્ફે ગડીયો નરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.32, રહે. જામનગર, મચ્છરનગર ગંગેશ્વર મંદિર પાસે, જામનગર) ની અટકાયત કરી હતી. જ્યારે હિતેન્દ્રસિંહ ઉર્ફે વેલ્ડીંગ વિક્રમસિંહ વાળા (રહે. પુનીતનગર જામનગર) નામનો શખ્સ નાશી ગયો હતો.
પોલીસે દારૂના જથ્થા સહિત રૂા.2,00,000 ની કિંમતની કાર અને રૂા.5000 ની કિંમતના એક મોબાઇલ સહિત કુલ રૂા.4,75,600 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુ પૂછપરછ દરમિયાન દારૂનો આ જથ્થો સપ્લાય કરનાર ઇનાયત ઉર્ફે તોતો ઉર્ફે ટાઇગર ઇબ્રાહિમ મસિયાર (રહે.જામનગર) નું નામ ખુલતાં પોલીસે આ બન્ને ફરારી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજા દરોડાની વિગત મુજબ એલસીબી સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચને બાતમી મળી હતી કે ધ્રોલ તરફથી જામનગર તરફ આવી રહેલી એક કારમાં ઇંગ્લીશ દારૂના જથ્થાની હેરાફેરી થઇ રહી છે. આ ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે જામનગર-રાજકોટ હાઇવે પર જાંબુડા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન મારૂતિ સુઝુકી કંપનીની બે્રઝા કાર ધ્રોલ તરફથી આવી હતી અને પોલીસને જોઇ જાંબુડા પાટિયાથી અલિયાબાડા રોડ તરફ નાશી ગઇ હતી.
આથી પોલીસે ફિલ્મી ઢબે આ કારનો પીછો કર્યો હતો મિયાત્રા ગામ નજીકથી આ કારચાલકને ઝડપી લીધો હતો. પોલીસે કારની તલાશી લેતાં કારમાંથી રૂા.5,22,600 ની કિંમતની 402 ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. આથી પોલીસે દારૂના આ જથ્થા સહિત રૂા.5000 ની કિંમતનો એક મોબાઇલ ફોન અને રૂા.6,00,000 ની કિંમતની કાર સહિત કુલ રૂા.11,27,600 ના મુદ્દામાલ સાથે કારને લઇને નિળકેલાં કિશનભાઇ ઉર્ફે ડેન્કર નાથાભાઇ ગીગડ (ઉ.વ.30, રહે. વિકટોરીયાપુલ પાસે, ભારતવાસ જામનગર મુળ- જાબુડા) નામના શખ્સની અટકાયત કરી હતી. આ શખ્સની પૂછપરછમાં પણ દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇનાયત ઉર્ફે તોતો ઉર્ફે ટાઇગર ઇબ્રાહિમ મસિયાર (રહે.જામનગર) નું નામ ખુલતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
આ કાર્યવાહી પીઆઇ વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પીએસઆઇ પી.એન.મોરી તથા સી.એમ. કાંટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, ભરતભાઇ ડાંગર, ધનશ્યામભાઇ ડેરવાળીયા, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા શૈલેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

