Gandhinagar,તા.૨૨
ખેડાના કઠલાલમાં ખુલ્લેઆમ વેચાતા દારૂ મુદ્દે કઠલાલ નગરપાલિકાના ભાજપ શાસક અને કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ ભાવસારે ગૃહ મંત્રી હર્ષ સંઘવીના ફેસબુક પેજ પર કોમેન્ટ કરીને આરોપ લગાવ્યો કે પોલીસ દારૂના વ્યવસાયમાં સંકળાયેલી છે. કઠલાલ પોલીસના ડી સ્ટાફ જમાદાર મૂળજી રબારી હપ્તા લે છે એવા જાહેરમાં આરોપો કર્યા છે.
જીગ્નેશભાઈ ભાવસારે ગૃહ મંત્રી હર્ષ સંઘવીના ફેસબુક પેજ પર કોમેન્ટ કરી કે “અમારા કઠલાલ શહેરમા ખુલ્લેઆમ દારુ તથા નશીલા પદાર્થનુ પોલીસ કર્મચારી ડી સ્ટાફ જમાદાર મુરજીભાઈ રબારી હપ્તા લઈ વેચાણ કરાવી રહ્યા છે તો એ સદંતર બંધ કરાવો. હું કઠલાલ નગરપાલિકામાં ભાજપ શાસિત નગરપાલિકામા કારોબારી ચેરમેન પદ ઉપર છું. મારા કઠલાલ શહેરનુ યુવાધન બરબાદ થઈ રહ્યુ છે, આ ડી સ્ટાફ જમાદાર હપ્તા લઈ ખુલ્લેઆમ વેચાણ કરવા દે છે એની બદલી કરો એવી આપને નમ્ર વિનંતી છે.”
આ પોસ્ટ કર્યા બાદ કઠલાલ શહેર અને ખેડા પોલીસમાં ચર્ચાનો મુદ્દો બની ગયો હતો જે બાદ જીગ્નેશભાઈ ભાવસારે ફરી એક પોસ્ટ કરી કે મોટા નેતાઓના આગળ પાછળ ફરવું એના કરતા તો તમારા કેરિયરમાં વ્યસ્ત બનો. કોઈપણ પાર્ટી નો મોટો નેતા ફક્ત તમારી સાથે મીઠું બોલીને એની વાહવાહી કરવા માટે જ તમારો ઉપયોગ કરશે.
રાજકીય કેરિયર બનાવા માટે તમારે ખુદની એક ઓળખ બનાવી પડશે તો જ તમને પાર્ટી અને પબ્લિક ધ્યાનમાં લેશે. જે નેતાઓની પાછળ તમે સમય બગાડો છો એ જ નેતા તમારી ગરજ રાખશે. વફાદાર પાર્ટીથી બનો ગળામાં પટો નાખી નેતાઓના ચમચા બની ગુલામી કરવાથી તમારુ કેરિયર બનવાનુ નથી, સાચાને સાચુ અને ખોટાને ખોટો કહેવાની હિંમત રાખો. ભાજપના ના જ જવાબદાર હોદ્દેદાર દ્વારા કરવામાં આવેલી કોમેન્ટ અગાઉ ખેડામાં નડિયાદ શહેરમાં દારૂ પીવાને કારણે ૩ લોકોના મોત થયા હતા. જેમાં પોલીસ દ્વારા એવું નિવેદન કરવામાં આવ્યું હતું કે મરણ જનાર ઈસમો જીરા સોડા પીધી હતી, પરંતુ તે કેસમાં મરણ જનાર લોકોએ દારૂ પીધો હોય એ મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

