New Delhi,તા.17
વિવિધ કંપનીઓ અને દેશો દ્વારા સ્પેસમાં મોકલવામાં આવતાં સેટેલાઇટ્સની સંખ્યા એટલી બધી વધી ગઇ છે કે હવે અંતરિક્ષમાં પણ ટ્રાફિક જામની સમસ્યા થવા માંડી છે. 2019 અને 2025 દરમ્યાન અંતરિક્ષમાં પરિભ્રમણ કરતાં ઉપગ્રહો વચ્ચે અથડામણ ટાળવા માટે દર મહિને સરેરાશ 340 સેટેલાઇટ્સની દિશા બદલવાની કામગીરી કરવી પડી હતી. 2019 માં 2000 કિમીથી ઓછી ઉંચાઇએ પરિભ્રમણ કરતાં ઉપગ્રહોની સંખ્યા 13700 હતી.
જે 2025માં વધીને 24185 થઇ ગઇ હતી જે 76 ટકાનો વધારો દર્શાવે છે.દુનિયા ફરતે પ્રદક્ષિણા કરતાં માનવસર્જિત ઉપગ્રહોની સંખ્યા સતત વધી રહી છે. એક અંદાજ અનુસાર આ દાયકાના અંત સુધીમાં આવા ઉપગ્રહોની સંખ્યા વધીને 70000 નો આંક વટાવી જશે. જે 2019 માં અંતરિક્ષમાં પૃથ્વીની ફરતે ઘુમતાં સેટેલાઇટ્સની સંખ્યા કરતાં પાંચ ગણી વધારે છે.
જર્નલ એક્ટા એસ્ટ્રોનોટિકાના ઓક્ટોબરના અંકમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવ્યા અનુસાર પૃથ્વીથી 400 થી 600 અને 700 થી 800 કિમીની ઉંચાઇએ આવેલી પરિભ્રમણ કક્ષા જેને લો અર્થ ઓર્બિટ તરીકેઓળખાવવા આવે છે તેમાં નોંધપાત્ર રીતે ટ્રાફિક વધ્યો છે જેને કારણે મહિનામાં કમ સે કમ દસવાર સટેલાઇટ એકમેકને અથડાઇ ન પડે તેની કામગીરી હાથ ધરવી પડે છે.
અંતરિક્ષમાં આ ટ્રાફિક જામની સમસ્યાને કારણે બળતણનો વ્યય થાય છે. તેને કારણે ભાવિ મિશનના આયોજનની સમસ્યા પણ ઉભી થાય છે. આમ સરતચૂકથી પણ સેટેલાઇટ વચ્ચે અથડામણ થવાની સંભાવનાઓમાં અનેકગણો વધારો થયો છે. બે મોટા ઉપગ્રહો વચ્ચે અથડામણ થાય તો તેના કારણે અંતરિક્ષમાં મોટાપાયે કાટમાળ સર્જાવાની સંભાવના રહે છે.
જો આવી અથડામણ થાય તો આગળપાછળના અન્ય સેટેલાઇટ્સ પણ અથડાઇ પડવાની સંભાવના વધી જાય છે. આ અભ્યાસમાં ઉપગ્રહ છોડવા માટે સંકલન સાધવા પર ભાર મુકવામાં આવ્યો છે. ઉપગ્રહ ઓપરેટર દ્વારા પણ સંકલન વધારવામાં આવે તેવી સલાહ પણ આ અભ્યાસમાં આપવામાં આવી છે. હવે એવો સવાલએ છે કે આ રીતે સતત ઉપગ્રહો છોડયા કરવાનું કેટલું સલામત રહેશે.