Islamabad,તા.20
ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ખોંખરૂ કર્યા બાદ પણ હજુ તેની ટંગડી ઉંચી છે અને પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે ફરી એક વખત ભારત સાથે પૂર્ણ કક્ષાના યુધ્ધની શકયતા દર્શાવી છે. એક સ્થાનિક ટેલીવીઝન ચેનલની મુલાકાતમાં આસીફે કહ્યું કે, પાકિસ્તાનમાં હાલમાં જે ત્રાસવાદી હુમલા થયા તેમાં ભારતની ભૂમિકા ખુલી છે.
અફઘાન નાગરિકો પણ ભારતની ચડામણીથી આ પ્રકારના હુમલા કરાયા છે. તેમણે કહ્યું કે અમે ભારતનો ભરોષો કરતા નથી અને તેને નજર અંદાજ પણ કરતા નથી અને તેથી જ પાકિસ્તાન ભારત સાથે ઓલ આઉટ વોરની શકયતા હું નકારતો નથી.
તેમણે કહ્યું કે, અમે આ માટે પૂરી રીતે તૈયાર છીએ. પાકિસ્તાનમાં જે રીતે એક બાદ એક ઘટનાઓ બની રહી છે અને એકથી વધુ આત્મઘાતી હુમલા થયા છે તેમાં અફઘાનીસ્તાન તથા ભારતને દોષીત ગણાવી રહ્યા છે.
હાલમાં ઈસ્લામાબાદમાં જે બે મોટા આત્મઘાતી બોંબ હુમલા થયા તેમાં પાકિસ્તાન અફઘાન સ્થિત ત્રાસવાદી સંગઠન તહેરીક તાલીબાન પાકિસ્તાનને ભૂમિકા દર્શાવીને કહ્યું હતું કે ભારત તેમને મદદ કરી રહ્યું છે. જોકે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ હજુ સુધી તેના કોઈ પૂરાવા રજુ કર્યા નથી અને ભારતમાં ત્રાસવાદમાં સંડોવણી પણ નકારી રહ્યા છે.
ઓપરેશન સિંદૂર સમયે ભારતે જે રીતે મર્યાદીત હુમલામાં પાકિસ્તાનના અનેક એરબેઝને ભારે નુકશાન કર્યું તથા બહાવલપુર તેમજ સીયાલકોટ અને કોટલીના ત્રાસવાદી મથકોનો સફાયો કર્યો તે પછી પણ પાકિસ્તાન સતત અલગ અલગ ત્રાસવાદી સંગઠનને પીઠબળ આપતું રહ્યું છે અને તેમાં પાકિસ્તાનના સૈન્ય વડા જનરલ આસીફ મુનીરએ જે રીતે દેશની સુપ્રીમ કોર્ટ કરતા પણ વધુ સતા મેળવી છે તે વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના આ વિધાનો મહત્વના છે.

