Surendranagar,તા.10
વિરમગામ શહેરના મુખ્ય હાર્દસમાન ગણાતા એસટી બસ સ્ટેન્ડ રોડ, અક્ષરનગર, ગોલવાડી દરવાજાથી ટાવર સુધીના આરસીસી રોડ ઉપર નાખવામાં આવેલા ડામર રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે જેના કારણે રોડ ઉપરથી પસાર થતાં નગરજનો, વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
નગરપાલિકા દ્વારા રથયાત્રા પૂર્વે રથયાત્રાના રૂટ ઉપર વેટ મીક્સ ઝીણી કપચી નાખી ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ રથયાત્રા બાદ પડેલા વરસાદના કારણે તમામ ખાડામાં નાખેલી વેટ મીક્સ ઝીણી કપચી ધોવાઈ જતા કમરના મણકા ભાગી જાય તેવા ખાડાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે જ્યારે પ્રજાના પૈસાનું પાણી થઈ ગયું છે અને એન્જિનિયરની અણ આવડત છતી થઈ છે. જાણકારોના જણાવ્યા મુજબ જીણી કપચીની જગ્યાએ ખાડામાં ક્વોરી વેસ્ટ નાખવામાં આવ્યું હોત તો આજે જે વિરમગામ શહેરની હાલત છે તે ન હોત હાલ તો ખાડામાં નાખવામાં આવેલ ઝીણી કપચી વરસાદના કારણે ધોવાઈ ગઇ છે.