Ahmedabad,તા.૨૫
પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમોમાં મકાન આપવાની લાલચ આપી ૨૫૦ થી વધુ લોકો સાથે ઠગાઈ કરનારા શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આ મામલે વિરમસિંહ રાઠોડ નામનાં આરોપીની ઝોન ૧ એલસીબીએ ધરપકડ કરી છે. આરોપીએ પોતે સચિવાલયમાં નોકરી કરતો હોવાનુ જણાવી ગરીબ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો અપાવાની લાલચ આપી હતી. તેણે વસ્ત્રાપુર, નારણપુરા અને સોલા વિસ્તારનાં લોકોને આ રીતે છેતર્યા હતા. આરોપીએ કુલ ૩ કરોડથી વધુ રકમ લોકો પાસેથી આ રીતે મેળવીને છેતરપિંડી કરી હતી.
ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોને સરળતાથી પોતાનું મકાન મળી રહે તેવા આશયથી રાજ્ય સરકાર મુખ્યમંત્રી આવાસ યોજના અને કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો બનાવે છે. જે યોજનાં હેઠળ મકાન લેવા ઈચ્છુત વ્યક્તિ જરૂરી પ્રક્રિયા કરી મકાન મેળવે છે પરંતુ આવા જ ઈચ્છુક લોકોને પોતાની વાતોમાં ફસાવી લાખો રૂપિયા મેળવી ઠગાઈ આચરવામાં આવી છે. જે મામલે ઝોન ૧ વિસ્તારમાં વસ્ત્રાપુર, સોલા અને નારણપુરામા ૩ ફરિયાદ નોંધાઈ હતી. જોકે ઝોન ૧ એલસીબીની ટીમે આરોપીને પકડી પાડ્યો છે.
ઝડપાયેલા આરોપીએ બી.એ સુધીનો અભ્યાસ કર્યો છે અને તે જીપીએસસીની તૈયારી કરતો હતો, જે દરમિયાન તેને આ રીતે લોકો સાથે ઠગાઈ કરવાનો વિચાર આવ્યો અને છેલ્લાં ૩ વર્ષમા અનેક લોકો પાસેથી પૈસા પડાવી લીધા. આરોપી પોતાની નીચે એજન્ટો પણ રાખતો જે તેઓને ગ્રાહક લાવી આપતા હતા. આરોપીએ સાયન્સ સિટી જેવા પોશ વિસ્તારમાં બનતા ઔડાનાં મકાનો ભોગ બનનારાઓને બતાવ્યા હતા અને રૂપિયા મેળવ્યા હતા.