Mumbai,તા.03
ઈંગ્લેન્ડ સામે તાજેતરની ટેસ્ટ સીરીઝમાં પોતાની બોલિંગથી પ્રભાવિત કરનાર ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ ઓવલમાં રમાયેલી પાંચમી ટેસ્ટ દરમિયાન જો રૂટ સાથે મેદાન પર થયેલા વિવાદ અંગે ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે, મને એ ન સમજાયું કે આ દિગ્ગજ બેટ્સમેને આટલા ગુસ્સા સાથે પ્રતિક્રિયા કેમ આપી? ભારતે પાંચમી ટેસ્ટ મેચ છ રનથી જીતીને સીરિઝને બે-બેથી બરાબર કરી લીધી હતી. આ મેચના બીજા દિવસે જો રૂટ અને પ્રસિદ્ધ કૃષ્ણા વચ્ચે તીખી દલીલ થઈ હતી.
પ્રસિદ્ધ કૃષ્ણાએ આગળ કહ્યું કે, મને આ ખેલમાં આ જ સૌથી વધુ પસંદ છે. હું હંમેશાથી આ જ રીતે રમતો આવ્યો છું. દરેક ખેલાડીઓને અને ખાસ કરીને તેમના જેવા દિગ્ગજને આજે પણ પોતાનું બધું સમર્પણ કરીને અને ટીમ માટે સંઘર્ષ કરતા જોવું એ દરેક માટે શીખવા લાયક છે. તમે મેચ જીતવા માટે મેદાનમાં જાઓ છો. તેના માટે ક્યારેક-ક્યારેક તમને સ્કિલથી વધુની જરૂર પડે છે. તે સફરનો હિસ્સો બનવા માટે ખૂબ જ માનસિક દ્રઢતાની જરૂર હોય છે.
આ 29 વર્ષીય પેશરે ઈંગ્લેન્ડમાં ત્રણ ટેસ્ટ મેચ રમી અને તેમાં કુલ 14 વિકેટ ખેરવી, જેમાં સિરીઝના પાંચમી ટેસ્ટમાં આઠ વિકેટ ઝડપીને ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેણે ભારત માટે 6 ટેસ્ટ મેચમાં 22 વિકેટ ઝડપી છે.
હવે પ્રસિદ્ધ કૃષ્ણાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, મને નથી ખબર કે, રૂટે કેમ આ પ્રકારની પ્રતિક્રિયા આપી. મેં તો માત્ર એટલું જ કહ્યું હતું કે તમે સારા લાગી રહ્યા છો, મેં તો બસ પ્રશંસા કરી હતી અને તેણે તેને ગાળ સમજી લીધી. મેં ઘણા ખેલાડીઓ સાથે વાત કરી. મેં રૂટ સાથે પણ વાત કરી. મેં તેને પૂછ્યું કે શું થયું હતું, તો તેણે કહ્યું કે મને લાગ્યું કે તે મને ગાળ આપી. મેં કહ્યું ના, મેં ગાળો નહોતી આપી. રૂટે ફરી કહ્યું કે, વાસ્તવમાં હું ખુદને પણ પ્રેરિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તેથી વાત થોડી આગળ વધી ગઈ.