આ સિરીઝમાં ૧૯૭૧૦ની વાર્તા છે, જેમાં સની હિંદુજા, સુહેલ નાય્યર, ક્રિતિકા કામરા અને અનુપ સોની જેવા ધુરંધર કલાકારો છે
Mumbai તા.૧૮
પ્રતિક ગાંધીની અતિ લોકપ્રિય થયેલી વેબ સિરીઝ ‘સ્કેમ ૧૯૯૨’ ૨૦૨૦માં આવી હતી. દેશના જાણીતા સ્ટોક બ્રોકર હર્ષદ મહેતાના જીવન પર બનેલી સિરીઝથી તે ઘર ઘરમાં જાણીતો થઈ ગયો હતો. તાજેતરમાં જ તેની બાયોગ્રાફિકલ ફિલ્મ ‘ફુલે’ રિલીઝ થઈ છે. હવે ફરી તેની એક વેબ સિરીઝ આવી રહી છે, ‘સારે જહાં સે અચ્છા’. આ એક સ્પાય સિરીઝ હશે, જે નેટફ્લિક્સ પર આવશે. નેટફ્લ્કિસ દ્વારા પ્રતિક ગાંધી સાથે કોલબરેશનમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી હતી, તેમાં એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં ‘સારે જહાં સે અચ્છા’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.આ વીડિયોમાં પ્રતિક ગાંધી એવું કહેતો સંભળાય છે, “એક જાસુસ માટે દરેક નાની માહિતી પણ જરુરી હોય છે, આપણા મિશનની સફળતા કે નિષ્ફળતા તેના પર જ આધાર રાખે છે. ટાર્ગેટ છે, દુશ્મન દેશ..અને લક્ષ્ય, એમની જમીન પર જઇને એમને ન્યુક્લિયર પાવર બનવાથી રોકવાનું..” આ જાહેરાત મુજબ આ સિરીઝ ૧૩ ઓગસ્ટે, સ્વાતંર્ત્ય પર્વને ધ્યાનમાં રાખીને નેટફ્લિક્સ પર આવશે. આ વીડિયોના કૅપ્શનમાં લખાયું હતું, “અમુક યુદ્ધ ઇતિહાસના પાને નથી મળતાં. આઝાદીના મહિનામાં, બધી જ ફાઇલ જાહેર થઈ જશે. સારે જહાં સે અચ્છા જુઓ, ૧૩ ઓગસ્ટથી માત્ર નેટફ્લ્કિસ પર.”આ સિરીઝ ગૌરવ શુક્લાએ બનાવી છે, આ એક એવી સ્ટોરી છે, જેમાં ભારતીય ઇન્ટેલિજન્સની દુનિયાની સમજ, સિદ્ધાંતો અને રહસ્યોની વાત છે. આ સિરીઝમાં પ્રતિક ગાંધી વિશ્ણુ શંકરનો રોલ કરે છે, જે એક ઇન્ટેલિજન્સ ઓફિસર છે, એ સરહદ પારના દેશના ન્યુક્લિયર પ્રોગ્રામને હરાવવાના મિશન પર છે. આ સિરીઝમાં ૧૯૭૧૦ની વાર્તા છે, જેમાં સની હિંદુજા, સુહેલ નાય્યર, ક્રિતિકા કામરા, તિલોત્તમા શોમ, રજત કપૂર અને અનુપ સોની જેવા ધુરંધર કલાકારો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં સિરીઝનું ટીઝર લોંચ કરવામાં આવ્યું હતું. આ સિરીઝ સુમિત પુરોહિતે ડિરેક્ટ કરી છે.