Ahmedabad તા.18
સમગ્ર રાજયમાં હાલમાં કાર્યરત પ્રિ-સ્કુલની નોંધણી માટેની હાલની જોગવાઈમાં ફેરફાર કરવા માટે અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ દ્વારા ભલામણ કરવામાં આવી છે. જેમાં 15 વર્ષના રજીસ્ટર્ડ ભાડા કરારના બદલે 11 માસ 29 દિવસનો નોટરાઈઝ ભાડા કરાર ગ્રાહ્ય રાખવામાં માંગણી કરવામાં આવી છે.
ઉપરાંત કોઈ પણ પ્રકારની બીયુ પરમિશન હોય તેને ગ્રાહ્ય રાખી દરખાસ્ત મંજૂર કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. શાળા સંચાલક મંડળ દ્વારા નિયમોમાં ફેરફાર કરવા માટે મુખ્યમંત્રી સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓને પત્ર લખી રજૂઆત કરી છે.
રાજય સરકાર દ્વારા પ્રિ-સ્કૂલો શરૂ કરવા માટેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. તેને લઈને સંચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ માટે અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળની બેઠક મળી હતી.
જેમાં પ્રિ-સ્કૂલોના રજીસ્ટ્રેશન માટેના જે નિયમો જોર કરાયા છે તેમાં સુધારા વધારા કરવા માટે ભલામણ કરવામાં આવી છે. બીયુ પરમિશનને લઈને સંચાલક મંડળ દ્વારા રાજયના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે, હાલ રાજયમાં આપવામાં આવતા બીયુ પરમીશન રેસીડેન્સીયલ, કોમર્શીયલ તથા એજયુકેશનલ હોય છે. તેમાંથી કોઈપણ બીયુ પરમિશન હોય તો દરખાસ્ત વખતે ધ્યાનમાં લેવા માટે માગણી કરવામાં આવી છે.
આ ઉપરાંત ઈમ્પેકટ ભરેલી હોય તો પણ દરખાસ્ત ગ્રાહ્ય રાખવા માટે રજૂઆત કરવામાં આવી છે. સ્ટ્રકચરલ સ્ટેબિલિટીનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર ગ્રાહ્ય રાખવા માટે પણ જણાવાયું છે.
જયારે મકાન ભાડા કરાર બાબતે સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, હાલના સંજોગોમાં મકાન માલિકો 15 વર્ષનો રજીસ્ટ્રેશન ભાડા કરાર કરવા તૈયાર હોતા નથી, તથા તે બાબત ખર્ચાળ જ પણ છે. જેથી પ્રિ-સ્કૂલની નોંધણી વખતે 11 મહિના 29 દિવસનો નોટરાઈઝ ભાડા કરાર ગ્રાહ્ય રાખવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે.
પ્રોપરાયટરશીપ, પાર્ટનરશીપ કે રજીસ્ટર્ડ ટ્રસ્ટને ગ્રાહ્ય રાખીને પણ દરખાસ્ત સ્વીકારવા માટે માગ કરવામાં આવી છે. પ્રિ-સ્કૂલમાં નર્સરી, જુનીયર કે.જી. અને બાલવાટિકાને ધ્યાનમાં લેવા માટે પણ જણાવાયું છે. તથા બાલ વાટિકાના વિદ્યાર્થીઓના જનરલ રજીસ્ટરમાં સ્થાન માટેનો સ્પષ્ટ પરિપત્ર જોગવાઈમાં મુકવા માટે પણ ભલામણ કરવામાં આવી છે.